નેશનલ હાઇવે ૪૭ પર વરસાદથી પ્રભાવિત માર્ગોના રીપેરીંગ માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદ સતત કાર્યરત
(જી.એન.એસ) તા. 8
અમદાવાદ,
રાજ્યભરમાં પડેલા સાર્વત્રિક વરસાદના પરિણામે ઘણા સ્થળોએ રસ્તાઓ પર ધોવાણના પરિણામે રોડ રસ્તાને નુકસાની થવા પામી છે.
જેના ભાગરૂપે નેશનલ હાઇવે ૪૭ પર વરસાદથી પ્રભાવિત અલગ અલગ વિસ્તારોમાં કુલ ૧૦.૫ કિમી લંબાઈના માર્ગો પર વેટમિક્ષ દ્વારા પેચવર્ક અને મરામતની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
વિગતવાર વાત કરીએ તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પેટા વિભાગ અમદાવાદના હસ્તક આવેલા નારોલથી ઉજાલા જંક્શન એલિવેટેડ કોરિડોર પર હાલમાં ડેવલપમેન્ટ પીરીયડ અંતર્ગતની કામગીરી, જેમ કે, સર્વેયીંગ, ડિઝાઈનીંગ વગેરે પ્રગતિમાં છે. આ રસ્તા પર ચાલુ ચોમાસા દરમિયાન નુકશાન પામેલા ૩ કિમી લંબાઈના માર્ગો પર ૫૦ ટન વેટમિક્ષ દ્વારા મરામતની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
રાષ્ટ્રીય ધોરીમાર્ગ પેટા વિભાગ અમદાવાદના હસ્તક આવેલા સરખેજ ચાંગોદર સેક્શન પર પેવ્ડ શોલ્ડર સાથે સિક્સ લેનના અપગ્રેડેશન તથા એક્સ્ટ્રાડોઝ્ડ બ્રિજની કામગીરી પ્રગતિમાં છે. આ રસ્તા પર ચાલુ ચોમાસા દરમિયાન રસ્તા તથા ડાયવર્ઝનને થયેલ નુકસાનને પણ મરામત કામગીરી હેઠળ પૂર્ણ કરવામાં આવ્યું છે. જેમાં ૩ કિમી લંબાઈના માર્ગો પર ૩૦ ટન વેટમિક્ષ દ્વારા મરામતની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
એ જ રીતે, બગોદરા લીમડી હાઇવે પર ૪ કિમી લંબાઈના અને અમદાવાદ રાજકોટ હાઇવે પર ૦.૫ કિમી લંબાઈના માર્ગો ને પેચવર્ક/મરામત હેઠળ રિપેર કરવામાં આવ્યા હતા.
આ કામગીરીમાં જેસીબી, રોલર, ડમ્પર, ગ્રેડર, ટ્રેકટર સહિતના સાધનો સાથે ટીમોએ સતતપણે કામગીરી કરીને રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH ૪૭ પર નુકસાન પામેલા રોડ રસ્તાઓને ઝડપથી રીપેર કરવા કામગીરી હાથ ધરી હતી.




























































































































































































































































































































































































































































































































































































































