બે તબક્કામાં 8 રાઉન્ડ પૂર્ણ થતા રજીસ્ટ્રેશન અને એડમિશન માટે વધુ એક તબક્કામાં પાંચ રાઉન્ડ શરૂ કરવાનો નિર્ણય કરાયો
(જી.એન.એસ) તા. 2
ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે GCAS(ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ)ની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઇ હતી.
આ વર્ષે અંડર ગ્રેજ્યુએટ કોર્ષ માટે સરકારની 15 સરકારી યુનિવર્સિટી માટે યોજાયેલ એડમિશન પ્રક્રિયાની વિગતવાર સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
આજની સ્થિતિએ 2 તબક્કામાં કુલ 7 રાઉન્ડ પૂર્ણ થયા છે અને રાઉન્ડ 8 ચાલુ છે. જેમાં 3,22,636 વિદ્યાર્થીઓનું પોર્ટલ પર વેરિફિકેશન કરવામાં આવ્યું છે. જેમાંથી 2.97 લાખ જેટલા વિદ્યાર્થીઓને એડમિશન માટે ઓફર આપવામાં આવી છે. જેમાં 3 જુલાઇની સ્થિતિએ અંદાજીત 2.25 લાખ જેટલા વિદ્યાર્થીઓને એડમિશન આપી દેવામાં આવશે.
ગત્ વર્ષે 3 જુલાઇની સ્થિતિએ 1,70,109 એડમિશન થયા હતા જ્યારે આ વર્ષે 3 જુલાઇની સ્થિતિએ 2.25 લાખ જેટલા એડમિશન થશે. આમ ગત્ વર્ષની સરખામણીએ આ વર્ષે GCAS મારફતે એડમિશન 32 ટકાનો વધારો જોવા મળ્યો છે.
આ સર્વગ્રાહી સમીક્ષા બેઠકમાં વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીઓની માંગણીઓ અને લાગણીઓને ધ્યાનમાં રાખીને એડમિશન માટે એક સ્પેશિયલ તબક્કાનું આયોજન કરવાનું નક્કી કરાયુ છે.જેમાં જે વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન બાકી રહી ગયું હોય તેવા વિદ્યાર્થીઓને વધુ એક તક આપવામાં આવશે.
આ તબક્કામાં 3 જુલાઇ સુધી વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરી શકશે. અને તા. 7 થી 11 દરમિયાન 5 જેટલા રાઉન્ડમાં એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
આ તબક્કામાં એડમિશન પ્રક્રિયામાં મહત્તમ વિદ્યાર્થીઓ લાભ લે તે માટે મંત્રીશ્રી ઋષિકેશ પટેલે અનુરોધ કર્યો છે.
અત્રે મહત્વની બાબત એ છે કે, GCAS દ્વારા થતી એડમિશન પ્રક્રિયામાં પોર્ટલ પર રજીસ્ટર થતા ડેટા જે-તે યુનિવર્સિટીને આપવામાં આવે છે. યુનિવર્સિટી મેરિટ ના ઘોરણે અને નિયમ મુજબ આગળની પ્રવેશ પ્રક્રિયા સ્વાયત રીતે હાથ ધરે છે.
જે કોઇ વિદ્યાર્થી એડમિશન પ્રક્રિયા દરમિયાન ઓફર સમય દરમિયાન જે-તે કૉલેજ ખાતે રીપોર્ટીંગ કરવાનું ચૂકી જાય તો આવા વિદ્યાર્થીઓને આગળના રાઉન્ડમાં ફરીથી તે જ કૉલેજમાં ઓફર આપવી કે નહીં તે નિર્ણય સંપૂર્ણપણે યુનિવર્સિટીનો સ્વાયતપણે રહે છે તેમાં સરકારનો કોઇપણ હસ્તક્ષેપ રહેતો નથી.
અત્રે નોંધનીય છે કે, વિદ્યાર્થી દ્વારા જે વિસ્તારની કૉલેજ પસંદગી કરવામાં આવી હોય તે નિયમ પ્રમાણે મેરીટ લિસ્ટ મુજબ જ યુનિવર્સિટી દ્વારા તેને એડમિશન ઓફર કરવાના પ્રયત્ન કરવામાં આવે છે. એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીએ ગામડાની કૉલેજ પસંદ કરી હોય તો મેરિટના ઘોરણે સ્થાનિક સ્તરે જ એડમિશન મળે અને તેવી જ રીતે શેહરના વિદ્યાર્થીને પણ આ સરખી જ પ્રક્રિયા અનુસરવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થી તેના રહેઠાણની ગ્રામ્ય કે શહેર જ્યા રહેતા હોય તેની આસપાસની કૉલેજ પસંદ કરી જ શકે છે.


























































































































































































































































































































































































































































































































































































































