(જી.એન.એસ) તા. 7

કંડલા,

કંડલા પોર્ટના ઓઈલ જેટી નંબર-2 પર મિથેલોન કેમિકલ ખાલી કરી રહેલા ‘ફૂલદા’ નામના જહાજમાં અચાનક વિસ્ફોટ થયો હતો. જહાજમાં ઓઇલની ટેન્ક ફાટતાં જહાજ એક તરફ નમી ગયું હતું, ખૂબ પ્રયત્ન કરવા છતાં આ જહાજ સીધું થઇ શક્યું ન હતું. દુર્ઘટનાની જાણ થતાં કોસ્ટ ગાર્ડ અને પોર્ટ તંત્રએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. જહાજમાં સવાર 21 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત છે. જોકે આ દુર્ઘટનામાં કોઇ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. 

મીડિયા સૂત્રોને મળતી માહિતી અનુસાર, જહાજમાં વિસ્ફોટ ત્યારે થયો જ્યારે તે મિથેલોન કેમિકલ ખાલી કરી રહ્યું હતું. ધડાકાની તીવ્રતા એવી હતી કે સમગ્ર પોર્ટ વિસ્તારમાં હલચલ મચી ગઈ હતી. જોકે, સદનસીબે જહાજમાં હાજર તમામ 21 ક્રુ-મેમ્બરો સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને કોઇ જાનહાનીની જાણકારી મળી નથી.

ઘટનાની જાણ થતાં તાત્કાલિક મેરિટાઈમ રિસ્પોન્સ સેન્ટર અને ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી છે. આ ઘટનાને પગલે પોર્ટ સત્તાવાળાઓ દ્વારા સલામતીના પગલાં પણ ઝડપથી અમલમાં મૂકાયા છે.

જહાજમાં થયેલા નુકસાનના કારણે જ્યાં સુધી સંપૂર્ણ તપાસ ન થાય, ત્યાં સુધી આસપાસના ઓપરેશન્સ પર નિયંત્રણ રહેશે. જો કે હાલ સુધી વિસ્ફોટના કારણ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ પ્રાથમિક તારણ મુજબ કેમિકલ રિએક્શન અથવા ટેકનિકલ ખામી હોઈ શકે છે. અન્ય નૌકાઓ અને પોર્ટ કર્મચારીઓ માટે સલામતીની દૃષ્ટિએ તાત્કાલિક તકેદારીના નિર્દેશ આપવામાં આવ્યા છે.