છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 33 જિલ્લાના 209 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો
(જી.એન.એસ) તા. 7
ગાંધીનગર,
ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા જુલાઇ મહિનાના હજુ તો માત્ર 6 દિવસથી જ ત્યાં છે. ત્યાં 40 ટકા કરતા વધુ વરસાદ વરસી ગયો છે. અને હજુ પણ ધોધમાર વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 28 ઈંચ સાથે સિઝનનો 47 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં 44 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 42.42 ટકા, કચ્છમાં 42 ટકા જ્યારે ઉત્તર ગુજરાતમાં 39 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો વલસાડમાં સૌથી વધુ 38.50 ઈંચ, ડાંગમાં 31.70 ઈંચ સુરતમાં 28.50 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જિલ્લા પ્રમાણે સૌથી ઓછો 4.52 ઈંચ વરસાદ પાટણમાં પડેલો છે.
રાજ્યમાં 7 જુલાઈએ સાંજે 6 વાગ્યા સુધીમાં 115 તાલુકામાં વરસાદ વરસ્યો છે. આણંદના બોરસદમાં સૌથી વધુ 3.43 ઈંચ વરસાદ વરસ્યો છે. પંચમહાલના ગોધરામાં 2.8 ઈંચ વરસાદ તો ભચાઉમાં 1.89 ઈંચ, ગાંધીધામમાં 1.89 ઈંચ વરસાદ વરસ્યો છે. કચ્છના માંડવીમાં 1.85 ઈંચ, ખંભાળિયામાં 1.73 ઈંચ, અંજારમાં 1.06 ઈંચ, નખત્રાણામાં 0.94 ઈંચ વરસાદ વરસ્યો છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 46.21 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 50.82 ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 41.31 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ ગત ૨૪ કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં ૩૩ જિલ્લાના ૨૦૯ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જે અંતર્ગત છેલ્લાં ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં ૬ ઇંચ કરતાં વધુ વરસાદ તથા ડાંગના સુબીર તાલુકા તેમજ ભુજ તાલુકામાં ૫-૫ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.
હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન નવસારી જિલ્લાના તમામ 6 તાલુકામાં વરસાદ નોંધાયો છે, નવસારી, જલાલપોર, વાંસદા, ખેરગામ, ચીખલી, ગણદેવી તાલુકામાં વરસાદ નોંધાયો છે. નવસારી તથા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગઈકાલે (સાતમી જુલાઈ) નવસારી શહેરી વિસ્તારની શાળાઓ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરી છે.
પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો
નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારમે પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થયો છે, શહેરના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે અને ઉપરવાસમાં ભારે વરસાદથી જળસ્તરમાં વધારો થયો છે, અને નીચાણવાળા વિસ્તારના લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ભારે વરસાદને પગલે નવસારી શહેર અને જલાલપોરમાં શૈક્ષણિક કાર્ય બંધની જાહેરાત કરાઇ હતી. પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થતા પ્રશાસને નિર્ણય લીધો હતો.
ઉપરવાસ અને જિલ્લામાં વરસાદથી નવસારીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. નવસારીમાં નીચાણવાળા વિસ્તારમાં નદીના પાણી ઘૂસ્યા હતા. ત્યારે નવસારી શહેર અને ગણદેવીમાંથી સલામતીના ભાગરૂપે 520 લોકોનું સ્થળાંતર કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી.
અમદાવાદમાં સેટેલાઇટ, મણિનગર, જોધપુર, એલિસબ્રિજ, લાલ દરવાજા, પાલડી, જમાલપુર, વાડજ, વસ્ત્રાપુર, કાલુપુર, શાહપુર, નરોડા, ઈનકમ ટેક્ષ ચાર રસ્તા, શિલજ, બોપલ, આંબલી, ઈસકોન, પકવાન, ગોતા, બોડકદેવ, રિવરફ્રન્ટ, નારણપુરા, મકરબા સહિતના વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ ખાબક્યો હતો.
રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન તા. ૦૧ જૂન, ૨૦૨૫ થી આજ દિન સુધીમાં વરસાદના પગલે વહીવટી તંત્ર દ્વારા ૪,૨૦૫ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, તેમજ ૬૮૪ નગરિકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. વધુમાં, વહીવટી તંત્ર દ્વારા ૧૩ NDRFની ટીમ તેમજ ૨૦ SDRFની ટીમ ડિપ્લોય કરવામાં આવી છે, તેમજ ૦૨ NDRFની તેમજ ૧૩ SDRFની ટીમ હેડ ક્વાર્ટર ખાતે રિઝર્વ રાખવામાં આવી છે. વધુમાં ભારતીય હવામાન વિભાગ-આઈ.એમ.ડી. દ્વારા ગુજરાતનાં દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને તા. ૦૭ થી ૧૦, જુલાઇ, ૨૦૨૫ સુધી દરિયો ન ખેડવા ચેતવણી પણ આપવામાં આવી છે.


















































































































































































































