[ad_1]
દરેકે આત્માના ઉત્થાન માટેના પ્રયત્નો કરતાં કરતાં અન્યના કલ્યાણ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ : આચાર્ય શ્રી મહાશ્રમણજી
ભારતીય સંસ્કૃતિમાં વિશ્વકલ્યાણની વિભાવના છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
(જી.એન.એસ) તા. 18
જાલના,
જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘના 11મા અનુશાસક આચાર્ય શ્રી મહાશ્રમણજીની દીક્ષાના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત દીક્ષા કલ્યાણ મહોત્સવના સમાપન સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ભારતીય સંસ્કૃતિ દુનિયાની સૌથી પુરાતન સંસ્કૃતિ છે. આપણે મહાન ઋષિ-મુનિઓના સંતાનો છીએ. ભારતીય પરંપરા વૈદિક, અધ્યાત્મવાદી અને વિશ્વ કલ્યાણની વિભાવનાવાળી છે. શ્રી મહાશ્રમણજીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં જાતિ-ધર્મના ભેદભાવ વિના સદભાવના, નૈતિકતા અને નશામુક્તિ માટે સતત પ્રયત્ન થઈ રહ્યા છે. આ માનવતાની સેવા છે.
આજ સુધીમાં 55 હજાર કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરનાર આચાર્ય મહાશ્રમણજી આજના દિવસે તેરાપંથના 11મા અધિશાસ્તા તરીકે વિધિવત પટ્ટાસીન થયા હતા. મહારાષ્ટ્રના જાલનામાં આયોજિત દીક્ષા કલ્યાણ મહોત્સવમાં બોલતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, આચાર્ય મહાશ્રમણજીએ નાની વયમાં જીવનના પરમ તત્વની સમજણ કેળવીને ભૌતિક સંસારથી વિરક્તિનો માર્ગ પસંદ કરીને માનવતાના કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. દીક્ષાના 50 વર્ષની પૂર્ણાહૂતિનો આ પ્રસંગ આવનારી પેઢી અને સમાજના કલ્યાણનું કારણ બનશે.
આ અવસરે આચાર્ય શ્રી મહાશ્રમણજીએ કહ્યું હતું કે, આજના દિવસે ભગવાન મહાવીરને ન માત્ર જ્ઞાન પ્રાપ્ત થયું હતું, તેઓ સર્વજ્ઞ બની ગયા હતા. આજનો દિવસ જ્ઞાનપ્રાપ્તિ, વૈરાગ્યપ્રાપ્તિ, શક્તિ સંપન્નતા અને સર્વદર્શિતા કેળવવાનો દિવસ છે. તેરાપંથ સંપ્રદાયનો પ્રારંભ થયાને 264 મુ વર્ષ ચાલી રહ્યું છે. તેરાપંથની જવાબદારી મળ્યા ને 14 વર્ષ સંપન્ન થયા તે વેળાએ તેમણે કહ્યું કે, તેઓ અધ્યાત્મની સાધનાને વધુ સઘન બનાવવા પ્રયાસ કરશે. આચાર્ય મહાશ્રમણજીએ કહ્યું કે, શ્રી આચાર્ય દેવવ્રતજીના વિચારો અને તેમની દાર્શનિક વાતો કલ્યાણકારી છે. દરેકે પોતાના આત્માના ઉત્થાન માટેના પ્રયત્નો કરતાં કરતાં અન્યના કલ્યાણ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ.
આ પ્રસંગે મુખ્યમુની શ્રી મહાવીરકુમારજી, સાધ્વીપ્રમુખા શ્રી વિશ્રુતવિભાજી, તેરાપંથી સભા-જાલનાના મંત્રી શ્રી અનિલ સંચેતી અને આચાર્ય તુલસી મહાપ્રજ્ઞ વિચાર મંચના અધ્યક્ષ શ્રી રાજકુમાર પુગલીયાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. સાધ્વી શ્રી વર્યાજી, જૈન શ્વેતાંબર તેરાપંથ મહાસભાના અધ્યક્ષ શ્રી મનસુખલાલ શેઠીયા, જાલના તેરાપંથ સભાના અધ્યક્ષ શ્રી સુનિલ શેઠીયા અને સાધુ-તપસ્પીઓ તથા ભક્તો આ અવસરે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.