[ad_1]
સપાટીથી હવામાં માર કરવા માટે સક્ષમ, બીજી મિસાઈલોની તુલનામાં ઓછો ધુમાડો કાઢે છે
(જી.એન.એસ),તા.૧૭
આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં MRSAM મિસાઈલની ઝાંખી જોવા મળશે. લગભગ અઢી હજાર કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી દુશ્મનના ઠેકાણાઓ પર હુમલો કરનારી આ મિસાઈલ યૂનિટને પાકિસ્તાનની સરહદની પાસે તૈનાત કરવામાં આવી છે. MRSAM મિસાઈલને Abhra નામથી પણ ઓળખવામાં આવે છે. આ પહેલા નેવીના એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત પર પણ તૈનાત કરવામાં આવી હતી. MRSAM મિસાઈલને આત્મનિર્ભર ભારત દિશામાં એક મોટુ પગલું માનવામાં આવી રહ્યું છે. MRSAM મધ્યમ રેન્જની એક એવી મિસાઈલ છે, જે સપાટીથી હવામાં માર કરવા માટે સક્ષમ છે.
આ મિસાઈલની ખાસિયત એ છે કે તે દુશ્મનોના ઠેકાણાઓ પર અચૂક વાર કરે છે અને બીજી મિસાઈલોની તુલનામાં ઓછો ધુમાડો કાઢે છે. તેની સ્પીડ એટલી તીવ્ર અને મારક હોય છે કે દુશ્મન તેને ટ્રેસ કરી શકતા નથી. આ મિસાઈલને ઈઝરાયેલની IAI કંપનીના સહયોગથી DRDOએ બનાવી છે. સપાટીથી હવામાં માર કરનારી મિસાઈલમાં આર્મી વેપન સિસ્ટમમાં મલ્ટી ફંક્શન રડાર, કમાન્ડ પોસ્ટ અને મોબાઈલ લોન્ચર સિસ્ટમ સામેલ હોય છે. આ મિસાઈલ ઈઝરાયેલની Barak-8 નામની ખતરનાક મિસાઈલ પર આધારિત છે. તેનું વજન લગભગ 275 કિલોગ્રામ છે. તેની લંબાઈ 4.5 મીટર છે અને વ્યાસ 0.45 મીટર.
આ મિસાઈલ પર 60 કિલો વોરહેડ એટલે કે હથિયાર લોડ કરી શકાય છે. MRSAM મિસાઈલના બે સ્ટેજ હોય છે. લોન્ચ થયા બાદ તે ધુમાડો ઓછો કાઢે છે. એક વખત લોન્ચ થયા બાદ MRSAM આકાશમાં સીધી 16 કિ.મી સુધીના ટાર્ગેટને નષ્ટ કરી શકે છે. તેની રેન્જ સારી છે. મિસાઈલની રેન્જમાં આવનારા દુશ્મનો એટલે કે યાન, વિમાન, ડ્રોન અથવા મિસાઈલને તે ધ્વસ્ત કરી શકે છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે MRSAM મિસાઈલ રેડિયો ફ્રિક્વન્સી સીકર છે, એટલે દુશ્મનનું યાન જો ફેરવવા માટે માત્ર રેડિયોનો ઉપયોગ કરી રહ્યું છે તો તેને પણ મિસાઈલ નષ્ટ કરી દેશે.