[ad_1]
(જી.એન.એસ),તા.૧૭
ઉતરપ્રદેશ,
ઉતરપ્રદેશમાં પોલીસ ભરતીની પરીક્ષાના પેપર લીક કૌભાંડમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ પેપર લીક કૌભાંડનો આરોપી પ્રિન્ટીંગ પ્રેસનો માલિક વિદેશ ભાગી ગયો છે, જયારે બીજી સનસનીખેજ વિગત એ બહાર આવી છે કે આ પેપર લીક કૌભાંડના તાર ગુજરાત સાથે જોડાયા છે. આ પેપર ગુજરાતની ટ્રાન્સપોર્ટના વેરહાઉસમાં છપાયું હતું. આરોપીઓએ ત્યાંથી પેપર કાઢી તેનો ફોટો પાડીને બોકસમાં પાછું નાખી દીધુ હતું.
ઉતરપ્રદેશના પોલીસ ભરતી પરીક્ષાના પેપર લીક કૌભાંડ મામલામાં એસટીએફની તપાસના ક્ષેત્રમાં પ્રશ્નપત્રનું પ્રિન્ટીંગ કરનાર પ્રેસ અને ટ્રાન્સપોર્ટ કંપની પણ આવી ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ તા.17 અને 18 ફેબ્રુઆરીએ આયોજીત પોલીસ ભરતીનું પેપર લીક થયાની જાણકારી મળ્યા બાદ પ્રિન્ટીંગ પ્રેસ માલિક વિદેશ ભાગી ગયો છે.
પોલીસ ભરતી પેપર લીક કેસની છેલ્લા 17 દિવસોથી તપાસ કરી રહેલી એસટીએફએ બધા લોકોને શોધી રહી છે. જેમને પેપર વેચવામાં આવ્યું હતું તે પેપર લીકનો માસ્ટર માઇન્ડ પ્રયાગરાજ નિવાસી રાજીવ નયનના બારામાં બહાર આવ્યું છે કે તે અનેક કોચીંગ સંચાલકોના સંપર્કમાં હતો જે સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક કરાવવાના બદલામાં તેને લાખો રુપિયા આપતા હતા.
ગુજરાત કનેકશન :- બીજી બાજુ આ મામલામાં ભરતી બોર્ડના અનેક અધિકારીઓની લાપરવાહી બહાર આવી છે. પ્રિન્ટીંગ પ્રેસની પસંદગી કરનાર બોર્ડના અધિકારીઓએ પ્રશ્ર્ન પત્રની સુરક્ષાની કોઇ મજબૂત વ્યવસ્થા નહોતી કરી જેના કારણે ટ્રાન્સપોર્ટ કંપનીના વેર હાઉસમાંથી આરોપીઓએ સહેલાઇથી પેપર કાઢીને તેનો ફોટો લઇને લીક કર્યું હતું. આ ટ્રાન્સપોર્ટ કંપનીના વેર હાઉસનો માલિક ગુજરાતનો હોવાનું ખુલ્યું છે. આ પેપર ગુજરાતમાં છપાયાનો ખુલાસો થયો છે.