[ad_1]
(જી.એન.એસ),તા.૨૩
નવીદિલ્હી,
દેશની સૌથી મોટી એરલાઈન્સમાંની એક એવી ટાટા ગ્રુપની એર ઈન્ડિયાએ એક મોટી ભૂલ કરી છે, જેના કારણે હવે તેને 80 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે. એવિએશન સેક્ટર રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ એર ઈન્ડિયા પર ફ્લાઈંગ સિક્યોરિટી અને ક્રૂ મેમ્બર્સની થાક ઓછો કરવા માટે બનાવેલા નિયમોના ઉલ્લંઘન બદલ આ દંડ લગાવ્યો છે. DGCAની તપાસમાં સામે આવ્યું હતું કે એર ઈન્ડિયાએ ફ્લાઈટ ક્રૂ મેમ્બર્સના સ્વાસ્થ્ય સાથે સંબંધિત નિયમોનું યોગ્ય રીતે પાલન કર્યું નથી. કંપની ક્રૂ મેમ્બર્સના ફ્લાઈંગ ડ્યુટી અવર્સ અને તેમના થાકને ધ્યાનમાં રાખીને સમયનું સંચાલન યોગ્ય રીતે કરી શકી નથી. તેથી કંપનીએ હવે આ દંડ ભરવો પડશે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ જાન્યુઆરીમાં એર ઈન્ડિયાનું ઓન-સાઈટ ઓડિટ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન એકત્ર કરાયેલા પુરાવાના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. DGCAએ તેના નિવેદનમાં કહ્યું હતું કે અહેવાલ અને પુરાવાના વિશ્લેષણથી જાણવા મળ્યું છે કે કેટલાક કિસ્સાઓમાં એર ઈન્ડિયા લિમિટેડ 60 વર્ષથી વધુ ઉંમરના બે ક્રૂ મેમ્બર સાથે ઉડાન ભરી હતી. નિવેદન અનુસાર એરલાઇન તેના ક્રૂ મેમ્બર્સને પર્યાપ્ત સાપ્તાહિક આરામ અને લાંબી ફ્લાઇટ્સ પહેલા અને પછી પર્યાપ્ત આરામ આપવામાં નિષ્ફળ રહી હતી. DGCAએ 1 માર્ચે એર ઈન્ડિયાને ઉલ્લંઘન અંગે કારણ બતાવો નોટિસ પાઠવી હતી. આ નોટિસનો એરલાઈન્સનો જવાબ સંતોષકારક જણાયો ન હતો. DGCAએ હાલમાં જ ક્રૂ મેમ્બર્સના થાકને દૂર કરવા માટે નવા નિયમો બનાવ્યા છે. આ મુજબ, દેશના પાયલટોને અઠવાડિયાના અંતે 48 કલાકનો આરામ આપવો જોઈએ, જે પહેલા 36 કલાકનો હતો. નાઇટ ડ્યુટી પણ મધરાત 12 થી સવારે 6 વાગ્યા સુધી રહેશે, જ્યારે પાઇલોટ અને ક્રૂ મેમ્બર માટે ફ્લાઇંગ અવર્સ હવે 13થી ઘટાડીને 10 કલાક કરવામાં આવ્યા છે.