[ad_1]
(GNS),20
સેબીએ ટ્રિબ્યુનલ સમક્ષ 197 પાનાનો જવાબ રજૂ કર્યો છે જેમાં તેણે કહ્યું છે કે ચંદ્રા-ગોયેન્કા સામે તાત્કાલિક પગલાં લેવા જરૂરી હતા અને આ બન્નેએ કરેલી અરજી ગેરમાર્ગે દોરનારી અને ખોટી છે. દરમિયાન ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈસીસે સેબીને લેખિતમાં જાણ કરી છે કે તેની સામે એક જ મુદ્દે વારંવાર સતત તપાસને કારણે કંપની પ્રત્યે શેરધારકોને લઘુતાગ્રંથિ બંધાઈ શકે છે અને તેને કારણે મર્જરની પ્રક્રિયાને અસર થઈ શકે છે. સેબીએ ઝી એન્ટરટેઈનમેન્ટ અને સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના મર્જરને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપી દીધું છે. ઝી એન્ટરટેઈનમેન્ટનું ફંડ સગેવગે કરીને તેને અન્ય ગ્રુપ કંપનીઓમાં ડાઈવર્ટ કરવાના મામલે સેબીએ ઝીના પ્રમોટર સુભાષચંદ્રા અને તેમના પુત્ર અને સીઈઓ પુનિત ગોયેન્કાને કોઈપણ લિસ્ટેડ કંપનીમાં ટોચના પદ પર રહેવા પર પ્રતિબંધ મૂક્યો હતો જેને બન્નેએ ગત સપ્તાહે સિક્યુરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ (SAT)માં પડકાર્યો છે જે અંગેની સુનાવણી સોમવારે થવાની છે. તે પહેલાં જ ઝીએ સેબીને આ પત્ર લખ્યો છે.
ઝી એન્ટરટેઈનમેન્ટે સેબીને લખેલા પત્રમાં કહ્યું છે કે ‘મહેરબાની કરીને એક વાત નોંધશો કે મર્જરની પ્રક્રિયા ખૂબ આગળ ધપી ગઈ છે અને ઝીના 99.9 ટકા શેરધારકોએ તેને મંજૂરી પણ આપી દીધી છે.’ ઝીએ કહ્યું કે ‘એ પણ નોંધવા જેવી બાબત છે કે જે મુદ્દો ચર્ચામાં છે તે વર્ષ 2019નો છે અને તે અંગે તેણે સ્ટોક એક્સચેન્જ અને સેબીને વિગતવાર ખુલાસો પણ કરી દીધો છે. એ જ બાબતની હાલમાં ફરી શા માટે તપાસ શા માટે કરવામાં આવી રહી છે તે અમને સમજાતું નથી. ઝી એન્ટરટેઈનમેન્ટની એફડીનો દુરુપયોગ યસ બેન્કની એકપક્ષીય કાર્યવાહીનું પરિણામ છે, તેમાં ઝીની કોઈ ભૂમિકા નથી. યસ બેન્કે ગેરરીતિ કરી તેનો ઝી પોતે પણ ભોગ બની છે. ગેરરીતિ અંગે ઝીએ પગલાં પણ લીધા છે, જે નુકસાન થયું હતું તે રિકવર થઈ ગયું છે જેને કારણે શેરધારકોને કોઈ નુકસાન નથી થયું.’ ઉલ્લેખનીય છે કે સેબીએ સુભાષચંદ્રા અને પુનિત ગોયેન્કાને કોઈપણ લિસ્ટેડ કંપનીમાં મહત્વના પદ પર રહેવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ઝી અને સોનીના મર્જર પછી પુનિત ગોયેન્કા નવી મર્જ્ડ એન્ટિટીના સીઈઓ રહેવાના છે તેવી જાહેરાત થઈ ગઈ છે. સેબીના આ આદેશની સીધી અસર મર્જર પર અને ત્યાર પછી તેના વડા કોણ બનશે તેના પર થઈ શકે છે. સતત કાનૂની વિવાદમાં ફસાઈ રહી છે તેને કારણે સોની પણ કદાચ મર્જર અંગે ફેરવિચાર કરે તેવી સંભાવના પણ છે. કારણ કે આ મર્જર પ્રક્રિયામાં ખાસ્સો વિલંબ થયો છે. આમ, ઝીના પ્રમોટરોની મથરાવટી મેલી થઈ જતા સોની સાથે મીડિયા-એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા મર્જર સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે.