[ad_1]
ઉત્તર પ્રદેશમાં પોલીસની બર્બરતાના પગલે એક ગરીબ શાકભાજી વેચનારાના જીવન પર મોતનો સાયો મંડરાઈ રહ્યો છે. તેણે પોતાના બંને પગ ગુમાવવાનો વારો આવ્યો. આ મામલો કાનપુરનો છે. જ્યાં પોલીસની ગુંડાગીરીનો ભોગ એક શાકભાજીવાળો બન્યો. રેલવે લાઈનના કિનારે શાકભાજી વેચી રહેલા યુવકનું ત્રાજવું પોલીસકર્મીઓએ ઉઠાવીને રેલવે ટ્રેક પર ફેંકી દીધુ. જેને ઉઠાવવા માટે શાકભાજી વેચવાવાળો રેલવે ટ્રેક પર ગયો અને અકસ્માતનો ભોગ બન્યો.
મળતી માહિતી મુજબ શાકભાજી વેચનારો ત્રાજવું ઉઠાવતી વખતે મેમુ ટ્રેનની ઝપેટમાં આવી ગયો. જેના કારણે તેના બંને પગ કપાઈ ગયા. અકસ્માતનો ભોગ બનેલા શાકભાજી વેચનારાને હાલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પોલીસની બર્બરતાના કારણે યુવકના પગ કપાઈ જવાની ઘટનાના પગલે લોકોમાં ખુબ આક્રોશ જોવા મળી રહ્યો છે.
પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે કાનપુરમાં કલ્યાણપુર વિસ્તારની પાસે પોલીસ અતિક્રમણ હટાવવાની કાર્યવાહી કરી રહી હતી. આ દરમિયાન અસલાન ત્યાં ટામેટા વેચતો હતો. પોલીસકર્મી રાકેશે ત્રાજવું લીધુ અને તેને પાટા પર ફેંકી દીધુ. અસલાન જ્યારે તે ઉઠાવવા ગયો ત્યારે જ ત્યાં મેમુ ટ્રેન આવી અને તે તેની ઝપેટમાં આવી ગયો. શાકભાજી વેચનારાની દર્દનાક ચીસો સાંભળીને લોકો ત્યાં પહોંચ્યા તો જોયું કે તેના બંને પગ કપાઈ ગયા હતા. દર્દથી કણસતો યુવક મદદ માટે ગુહાર લગાવી રહ્યો હતો.
આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. લોકોનો આક્રોશ જોઈને પોલીસ હવે ડેમેજ કંટ્રોલની કવાયતમાં લાગી છે. અધિકારીઓએ એક હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધો. ડીસીપી ઈસ્ટ વિજય ઢુલે આ મામલાની તપાસ એસીપી કલ્યાણપુરને સોંપી છે. ડીસીપીએ કહ્યું કે પોલીસ એ સુનિશ્ચિત કરી રહી છે કે ઘાયલ શાકભાજી વિક્રેતાની સારવાર યોગ્ય રીતે થાય.
GNS NEWS