[ad_1]
કોંગ્રેસને નેતૃત્વ માટે નેહરુ-ગાંધી પરિવાર સિવાય બહારનો કોઈ અન્ય ચહેરો શોધવો જોઈએ : શર્મિષ્ઠા મુખર્જી
(જી.એન.એસ),તા.૦૭
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગસ્થ પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠાએ હવે કોંગ્રેસની વિચારધારા પર સવાલો ઉઠાવ્યા છે. શર્મિષ્ઠાએ એમ પણ કહ્યું કે કોંગ્રેસે તેમના પિતાને ‘ દયા દાન’ તરીકે કોઈ પદ આપ્યું નથી. એક દિવસ પહેલા શર્મિષ્ઠાએ કહ્યું હતું કે, કોંગ્રેસને નેતૃત્વ માટે નેહરુ-ગાંધી પરિવાર સિવાય બહારનો કોઈ અન્ય ચહેરો શોધવો જોઈએ. જો કે, આ પહેલીવાર નથી જ્યારે શર્મિષ્ઠાએ કોંગ્રેસ પર હુમલો કર્યો હોય. શર્મિષ્ઠાએ તેના પિતાની પોસ્ટને લઈને માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X (જે પહેલા ટ્વીટર તરીકે ઓળખાતુ હતુ) તેના પર એક યુઝરને જવાબ આપ્યો છે. તેમણે લખ્યું છે કે, ‘કોંગ્રેસ કે ગાંધી-નેહરુ પરિવારે મારા પિતાને દયા દાન તરીકે કોઈ પદ આપ્યું નથી. તેઓએ તે મેળવ્યું હતું અને તેના લાયક તેઓ હતા. શું ગાંધી સામંતશાહી જેવા છે કે જેમની ચાર પેઢીઓને શાસન કરવાની, પુછવાની જરૂર પડ઼ે છે ?’ શમિષ્ઠા મુખર્જીએ આગળ લખ્યું છે કે, ‘કોંગ્રેસની વર્તમાન વિચારધારા શું છે? ચૂંટણી પહેલા જ તેઓ શિવભક્ત બની રહ્યા છે.
શર્મિષ્ઠાએ બે દિવસ પૂર્વે સોમવારે 17માં જયપુર લિટરરી ફેસ્ટિવલમાં કહ્યું હતું કે કોંગ્રેસ હજુ પણ મુખ્ય વિરોધ પક્ષ છે. તેનું સ્થાન નિર્વિવાદ છે. પરંતુ આ તેમની ઉપસ્થિતિને કેવી રીતે મજબૂત કરવી? આ એક મહત્વનો પ્રશ્ન છે. પરંતુ આ અંગે વિચારવાનું કામ કોંગ્રેસના નેતાઓનું છે. તેમણે કહ્યું કે, પાર્ટીમાં લોકશાહીની પુનઃસ્થાપના, સભ્યપદ અભિયાન, પાર્ટીની અંદર સંગઠનાત્મક ચૂંટણીઓ અને નીતિગત નિર્ણયોમાં દરેક સ્તરે તળિયાના કાર્યકરોને સામેલ કરવાની જરૂર છે. “ત્યાં કોઈ જાદુઈ લાકડી નથી,” તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ પક્ષને મજબૂત કરવા માટે કેવી રીતે કામ કરવું તે કોંગ્રેસના નેતાઓએ જોવાનું છે. નેતૃત્વના પ્રશ્ન પર શર્મિષ્ઠાએ કહ્યું, ‘કોંગ્રેસના નેતાઓએ આનો જવાબ આપવો પડશે. પરંતુ પોતે કોંગ્રેસ સમર્થક અને એક જવાબદાર નાગરિક હોવાના કારણે મને પાર્ટીની ચિંતા છે. અને ચોક્કસપણે નેતૃત્વ માટે ગાંધી-નેહરુ પરિવારની બહારની વ્યક્તિ માટે જોવાનો સમય હવે આવી ગયો છે.