[ad_1]
હિમાચલ પ્રદેશે દર પાંચ વર્ષે સરકાર બદલવાની પોતાની વર્ષો જૂની પરંપરા જાળવીને કુલ 68માંથી 40 સીટો પર કોંગ્રેસને જીત આપી. હિમાચલ પ્રદેશમાં વરિષ્ઠ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ચૂંટણી પ્રચારમાં પોતાની પૂરી તાકાત લગાવી દીધી હતી. તેઓ લગભગ દરેક જગ્યાએ કોંગ્રેસના પ્રચાર અભિયાનમાં જોવા મળ્યા. હિમાચલ પ્રદેશમાં તેમણે કુલ 5 સીટો પર પ્રચાર કર્યો જેમાંથી કોંગ્રેસને 4 સીટો પર સફળતા મળી. એટલે કે પ્રિયંકા ગાંધીનો હિમાચલ પ્રદેશમાં સફળતાનો સ્ટ્રાઈક રેટ 80 ટકા રહ્યો.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કુલ 2 સીટો પર પ્રચાર કર્યો જેમાંથી પાર્ટીને એક સીટ પર જીત મળી. માટે તેમનો સફળતાનો સ્ટ્રાઈક રેટ 50 ટકા રહ્યો. આનો અર્થ એ થયો કે પ્રિયંકા ગાંધીને લોકોએ વધુ પસંદ કર્યા. તમને જણાવી દઈએ કે કોંગ્રેસના પ્રચાર અભિયાનની કમાન ખુદ પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સંભાળી હતી. આમ જોવા જઈએ તો હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીએ પ્રિયંકા ગાંધીના ચહેરા પર ચૂંટણી લડી હતી. દરેક પોસ્ટર અને સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રિયંકા ગાંધીના ચહેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેની અસર વોટ શેર અને કોંગ્રેસની બેઠકો પર જોવા મળી હતી.
જો કોંગ્રેસના વોટ શેરની વાત કરીએ તો ગઈ ચૂંટણી 2017માં કોંગ્રેસને કુલ 42 ટકા વોટ મળ્યા હતા અને પાર્ટીએ 21 સીટો જીતી હતી પરંતુ આ વખતે કોંગ્રેસને લગભગ 44 ટકા વોટ મળ્યા હતા અને 40 સીટો જીતી હતી. પ્રિયંકા ગાંધીએ ઉના, કાંગડા અને સિરમૌરમાં ચૂંટણી સભાઓ યોજી હતી. વિધાનસભાની ચૂંટણીમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી તેના વિકાસના એજન્ડાના દમ પર ચૂંટણીમાં સફળતાનુ પુનરાવર્તન કરવાની આશા રાખતી હતી. જ્યારે મુખ્ય વિપક્ષને 5 વર્ષ પછી સત્તા બદલવાના રિવાજ અને પ્રિયંકા ગાંધી પાસેથી અપેક્ષા હતી.
વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કર્યુ કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને જનાદેશ આપવા માટે હિમાચલ પ્રદેશના લોકોનો હૃદયપૂર્વક આભાર અને શુભેચ્છાઓ. આ જીત હિમાચલના લોકોના મુદ્દાઓ અને પ્રગતિના સંકલ્પની જીત છે. કોંગ્રેસ પક્ષના તમામ આગેવાનો અને કાર્યકરોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમારી મહેનત રંગ લાવી. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની જીત બાદ મુખ્યમંત્રી પદની રેસ તેજ થઈ ગઈ છે.
પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહ આ રેસમાં આગળ છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યુ કે શું તેઓ મુખ્યમંત્રી પદની જવાબદારી નિભાવવા તૈયાર છે તો તેમણે કહ્યુ કે કેમ નહીં. આવી સ્થિતિમાં હિમાચલમાં મુખ્યમંત્રીની ખુરશી માટે પાંચ મોટા દાવેદાર છે. આમાં પ્રતિભા સિંહ ઉપરાંત સુખવિંદર સિંહ સુખુ, મુકેશ અગ્નિહોત્રી, હર્ષવર્ધન ચૌહાણ, રાજેશ ધર્માનીના નામ પણ સામેલ છે. પ્રતિભા સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહે કહ્યુ કે એક પુત્ર તરીકે હું ચોક્કસપણે ઈચ્છીશ કે મારી માતા મુખ્યમંત્રી બને. તેમણે કહ્યુ કે હું માતા માટે મારી ખુરશી છોડવા તૈયાર છુ.
બીજી તરફ રાહુલ ગાંધીના નજીકના ગણાતા સુખવિંદર સિંહ પણ આ રેસમાં આગળ છે.2018 પછી પહેલીવાર કોંગ્રેસ પોતાના દમ પર રાજ્યમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવામાં સફળ રહી છે. પરંતુ કોંગ્રેસની જીત બાદ પણ હોર્સ ટ્રેડિંગનો ભય પક્ષને સતાવી રહ્યો છે. જ્યારે પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુરને આ અંગે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યુ કે આ રાજનીતિ છે, તેમાં શું સ્થિતિ થશે તે અંગે કંઈ કહી શકાય નહીં. જયરામ ઠાકુરે કહ્યુ કે તમામ પ્રકારની શક્યતાઓ છે. કોંગ્રેસના હિમાચલ પ્રભારી રાજીવ શુક્લાએ કહ્યુ કે પ્રિયંકા ગાંધીએ આ ચૂંટણીમાં ખૂબ મહેનત કરી છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ કહ્યુ કે પ્રિયંકા ગાંધીએ હિમાચલ પ્રદેશમાં જોરશોરથી પ્રચાર કર્યો. તેમણે એમ પણ કહ્યુ કે હિમાચલમાં કોંગ્રેસની જીતની અસર અન્ય રાજ્યો પર પડશે જ્યાં આગામી વર્ષે ચૂંટણી થવાની છે.પાર્ટીના નેતાઓનુ કહેવુ છે કે પ્રિયંકા ગાંધીએ ન માત્ર સમગ્ર પ્રચારની કમાન સંભાળી હતી પરંતુ ચૂંટણીની રણનીતિ તૈયાર કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. પ્રિયંકા ગાંધીની સાથે રાજ્ય પ્રભારી રાજીવ શુક્લાના યોગદાનની પણ પ્રશંસા થઈ રહી છે.
GNS NEWS