[ad_1]
ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની, શિક્ષક, રાજનીતિજ્ઞ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવામાં આવશે
(જી.એન.એસ),તા.૨૪
ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની, શિક્ષક, રાજનીતિજ્ઞ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવામાં આવશે. કર્પૂરી ઠાકુરને તેમની લોકપ્રિયતાના કારણે જનનાયક કહેવામાં આવે છે. તેમનો જન્મ બિહારના સમસ્તીપુરમાં થયો હતો. તેમની જન્મ શતાબ્દીની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ ભવન દ્વારા દેશના સર્વોચ્ચ સન્માન એવા ભારત રત્ન માટે તેમના નામની જાહેરાત કરવામાં આવી છે. જનનાયક કર્પુરી ઠાકુર એક સ્વતંત્રતા સેનાની, શિક્ષક અને રાજનેતાના તરીકે જાણીતા હતા. બિહારના બીજા ઉપમુખ્યમંત્રી અને ફરી બેવાર મુખ્યમંત્રી રહેલા કર્પૂરી ઠાકુરને રાજનીતિક જીવનમાં તેમના સિદ્ધાંતોને ન છોડ્યા. તેના કારણે તેઓ અસલી હિરો તરીકે ઉભરી આવ્યા. કર્પૂરી ઠાકુર ભારત છોડો આંદોલનમાં પણ ઝંપલાવ્યુ હતુ. જેમા તેમણે 26 મહિના સુધી જેલવાસ પણ ભોગવ્યો હતો. તેમણે 22 ડિસેમ્બર 1970 થી 2 જૂન 1971 સુધી અને 24 જૂન 1977 થી 21 એપ્રિલ 1979 સુધી બિહારના મુખ્યમંત્રી તરીકે કામ કર્યુ. કર્પૂરી ઠાકુર જેવા સમાજવાદી વિચારધારા પર જીવનારા વ્યક્તિ વર્તમાનમાં જવલ્લેજ જોવા મળે છે.
કર્પૂરી ઠાકુરનો જન્મ 24 જાન્યુઆરી 1924માં બિહારના સમસ્તીપુર જિલ્લામાં થયો હતો. તેઓ એક નાઈ પરિવારમાંથી આવતા હતા. તેમના પિતા ગોકુલ ઠાકુર ખેડૂત હતા. કર્પૂરી ઠાકુરે તેમનુ પ્રાથમિક શિક્ષણ ગામમાં જ મેળવ્યુ હતુ. ત્યારબાદ પટના વિશ્વવિદ્યાલયથી તેમણે સ્નાતકની ડિગ્રી મેળવી હતી. કર્પૂરી ઠાકુર વિદ્યાર્થીકાળથી જ રાષ્ટ્રીય આંદોલનમાં સક્રિય હતા. તેમણે 1942માં ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો અને 26 મહિના જેલમાં વિતાવ્યા. જેલમાંથી મુક્ત થયા બાદ તેઓ સક્રિય રાજનીતિમાં આવ્યા. વર્ષ 1952માં કર્પુરી ઠાકુર પહેલીવાર બિહાર વિધાનસભાના સદસ્ય તરીકે ચૂંટાયા. તેઓ સોશિયલિસ્ટ પાર્ટીની ટિકિટ પર તાજપુરી વિધાનસભા સીટથી ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. ત્યારબાદ તેઓ સતત ચારવાર વિધાનસભાના સદસ્ય રહ્યા હતા. સન 1967માં તેમણે બિહારના ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. વર્ષ 1970માં કર્પુરી ઠાકુર બિહારના મુખ્યમંત્રી બન્યા. તેમણે ગરીબો દલિતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ લાગુ કરી. કર્પુરી ઠાકુરના મુખ્યમંત્રી રહેતા બિહારમાં પહેલીવાર બિન-લાભકારી જમીન પરનો મહેસૂલ નાબૂદ કરવામાં આવ્યો હતો. કર્પૂરી ઠાકુરનું નામ જ્યારે ચર્ચામાં આવ્યું ત્યારે તેમની સાથે જોડાયેલી એક જૂની ઘટનાનું પણ સ્મરણ થઈ રહ્યુ છે. 80ના દાયકામાં કર્પૂરી ઠાકુર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા હતા.
એવું કહેવાય છે કે ગૃહની કાર્યવાહી દરમિયાન એકવાર તેમને લંચ માટે તેમના નિવાસસ્થાને જવું હતું. તેણે પોતાની પાર્ટીના ધારાસભ્ય પાસે થોડીવાર માટે તેમની જીપ માંગી. ધારાસભ્યએ વળતો જવાબ આપ્યો કે મારી જીપમાં પેટ્રોલ નથી. તમે બે વખત મુખ્યમંત્રી રહ્યા છો, એક કાર કેમ નથી ખરીદી લેતા. મુખ્યમંત્રી બન્યા બાદ પણ કર્પૂરી ઠાકુર પાસે પોતાની કાર નહોતી. તેમની આ જ શાલીનતા માટે તેમને જનનાયક કહેવામાં આવે છે અને હવે તેમને મરણોપરાંત દેશનું સર્વોચ્ચ સન્માન મળવા જઈ રહ્યું છે. ભારત રત્ન એવોર્ડ આપવાની શરૂઆત 2 જાન્યુઆરી 1954ના રોજ તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. આ સન્માન રાજકારણ, કલા, સાહિત્ય, વિજ્ઞાન ક્ષેત્રે કોઈપણ વિચારક, વૈજ્ઞાનિક, ઉદ્યોગપતિ, લેખક અને સામાજિક કાર્યકરને આપવામાં આવે છે. 1954માં પ્રથમ ભારતરત્ન ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને એનાયત કરવામાં આવ્યો હતો. ડૉ. રાધાકૃષ્ણન દેશના બીજા રાષ્ટ્રપતિ અને શિક્ષણશાસ્ત્રી હતા. 1954 સુધી આ સન્માન ફક્ત જીવિત લોકોને જ આપવામાં આવતું હતું. 1955 થી મરણોત્તર ભારતરત્ન આપવાનું શરૂ થયું. અત્યાર સુધીમાં કુલ 48 વ્યક્તિઓને ભારતરત્ન એનાયત કરવામાં આવ્યા છે. છેલ્લી વખત આ સન્માન વર્ષ 2019માં આપવામાં આવ્યું હતું.
2019માં નાનાજી દેશમુખને (મરણોત્તર) સમાજ સેવાના ક્ષેત્રમાં ભારત રત્ન, ડૉ. ભૂપેન હજારિકા (મરણોત્તર) કલાના ક્ષેત્રમાં અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને જાહેર કાર્ય માટે ભારતરત્ન એનાયત કરવામાં આવ્યો હતો. હવે કર્પૂરી ઠાકુર (મરણોત્તર) ભારતરત્નથી સન્માનિત થનારા 49મી હસ્તી હશે. આપને જણાવી દઈએ કે એક વર્ષમાં માત્ર ત્રણ જ ભારત રત્ન આપવામાં આવે છે. તેમજ ભારત રત્ન એવોર્ડ દર વર્ષે આપવામાં આવે તે જરૂરી નથી. ભારત રત્ન પુરસ્કાર માટે પસંદગીની પ્રક્રિયા પદ્મ પુરસ્કારોથી અલગ છે. જેમાં ભારતના વડાપ્રધાન ભારતરત્ન માટે કોઈ વ્યક્તિના નામની ભલામણ રાષ્ટ્રપતિને કરે છે. ભારતરત્ન માટે કોઈ ઔપચારિક ભલામણની જરૂર નથી. કોઈપણ વ્યક્તિ જાતિ, વ્યવસાય, સ્થિતિ અથવા લિંગના આધારે કોઈપણ ભેદભાવ વિના આ પુરસ્કાર માટે પાત્ર ગણી શકાય. દર વર્ષે 26 જાન્યુઆરીએ ભારતરત્ન આપવામાં આવે છે. આ માટે, ભારતના ગેઝેટમાં નિયમિતપણે એક સૂચના જારી કરવામાં આવે છે.