[ad_1]
ઉત્તરાખંડ વક્ફ બોર્ડ સાથે જોડાયેલા તમામ મદરેસાઓમાં રામાયણ ભણાવવામાં આવશે
(જી.એન.એસ),તા.૨૯
ઉત્તરાખંડ વક્ફ બોર્ડ સાથે જોડાયેલા મદરેસાઓમાં હવે રામાયણ ભણાવવામાં આવશે તેવા ન્યૂઝ સામે આવી રહ્યા છે. રામાયણને અભ્યાસક્રમ તરીકે ભણાવવામાં આવશે. બોર્ડ હેઠળના કુલ 117 મદરેસાઓમાંથી ચાર મદરેસામાં નવો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે. આગામી 2024ના શૈક્ષણિક સત્રથી દેહરાદૂન, હરિદ્વાર, નૈનીતાલ અને ઉધમ સિંહ નગર જિલ્લામાં ચાર મદરેસાઓમાંથી દરેકમાં ભગવાન રામની કથા શીખવવામાં આવશે. મદરેસાઓમાં રામાયણ ભણાવવા માટે શિક્ષકોની પણ ભરતી કરવામાં આવશે. આ પછી બાકીની 113 મદરેસાઓમાં પણ તેને શરૂ કરવામાં આવશે. એક મીડિયા રીપોર્ટ અનુસાર ઉત્તરાખંડ વક્ફ બોર્ડના અધ્યક્ષ શાદાબ શમ્સે કહ્યું કે, જો અમે અમારા વિદ્યાર્થીઓને લક્ષ્મણ વિશે કહી શકીએ કે જેમણે પોતાના મોટા ભાઈ માટે સર્વસ્વ ત્યાગ કરી દીધો, તો પછી તેમને ઔરંગઝેબ વિશે જણાવવાની શું જરુર છે. સિંહાસન મેળવવા માટે કોણે પોતાના ભાઈઓની હત્યા કરી હતી. તેમણે કહ્યું કે, નક્કી કરવામાં આવેલી 4 મદરેસાઓમાં યોગ્ય ડ્રેસ કોડ લાગુ કરવામાં આવશે.
ઉત્તરાખંડ વક્ફ બોર્ડના અધ્યક્ષે કહ્યું કે, કુરાનની સાથે અમે વિદ્યાર્થીઓને રામાયણ પણ શીખવીશું. વક્ફ બોર્ડ ચાર મદરેસા માટે આચાર્યોની નિમણૂક કરશે, જેમને આ વિષયમાં સારી રીતે જાણકાર શિક્ષકોની ભરતી કરવાનું કામ સોંપવામાં આવશે. બોર્ડે વધુમાં જણાવ્યું હતું કે, નવા અભ્યાસક્રમની રજૂઆત માટે વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી રહી છે. શાદાબ શમ્સે કહ્યું કે, પસંદ કરાયેલા ચાર મદરેસાઓને સ્માર્ટ ક્લાસરૂમ સાથે મોડેલ મદરેસા તરીકે વિકસાવવામાં આવશે. આ સંસ્થાઓના શૈક્ષણિક ધોરણોને અપગ્રેડ કરવાની સખત જરૂર છે અને અમે નેશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ પુસ્તકો તૈયાર કરવાની પ્રક્રિયામાં પણ છીએ. વક્ફ બોર્ડના અધ્યક્ષના જણાવ્યા અનુસાર, આ વર્ષે માર્ચથી અમારા મદરેસા આધુનિકીકરણ કાર્યક્રમના ભાગરૂપે વક્ફ બોર્ડ સાથે જોડાયેલી મદરેસાઓમાં શ્રી રામનો અભ્યાસ શરૂ કરવામાં આવશે. કોઈ વ્યક્તિ જે સિંહાસન છોડીને તેના પિતાના વચન પાળવા માટે જંગલમાં ગયા તો શ્રી રામ જેવો પુત્ર કોને ન જોઈએ?