[ad_1]
(જી.એન.એસ),તા.૦૩
મુંબઈ,
દેશમાં મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિ ફેબ્રુઆરીમાં નોંધપાત્ર વધી હતી. કંપનીઓને નવા ઓર્ડરનું પ્રમાણ વધ્યું હતું. એચએસબીસી ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ (PMI) ફેબ્રુઆરીમાં વધીને 56.9 થયો હતો, જે છેલ્લાં પાંચ મહિનામાં સૌથી વધુ છે. જાન્યુઆરીમાં મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ 56.5 હતો. સપ્ટેમ્બર પછીથી તેમાં સૌથી મજબૂત સુધારો જોવાયો હતો.
ફેબ્રુઆરીમાં મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિ વધી હતી. સ્થાનિક અને નિકાસના ઓર્ડરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. ઉત્પાદન છેલ્લાં પાંચ મહિનામાં સૌથી ઝડપી વધ્યું હતું. સપ્ટેમ્બર પછીથી કંપનીઓનું વેચાણ પણ સૌથી વધારે ઝડપથી વધ્યું છે. નિકાસના નવા ઓર્ડર સતત 21 મહિનાથી વધી રહ્યા છે.
માંગ વધવાથી ઉત્પાદકો પર ક્ષમતા વધારવાનું દબાણ વધ્યું હતું. જોકે આમ છતાં મોટાભાગના ઉત્પાદકોએ પે-રોલ પર સ્ટાફની સંખ્યા ફેબ્રુઆરીમાં યથાવત્ રાખી હતી. આમ, રોજગારના મોરચે ખાસ પ્રગતિ જોવાઈ ન હતી.પરચેઝિંગ કોસ્ટ ઈન્ફ્લેશન ઘટીને 43 મહિનાની નીચી સપાટીએ રહ્યો હતો. બીજી તરફ સેલિંગ ચાર્જ પ્રમાણમાં ઓછા વધ્યા હતા. ઈનપુટ કોસ્ટ છેલ્લાં સાડા ત્રણ વર્ષમાં સૌથી ધીમી ગતિએ વધ્યો હતો. પરિણામે કંપનીઓના માર્જિનમાં સુધારો થયો હતો.
નિકાસના ઓર્ડરનું પ્રમાણ છેલ્લાં બે વર્ષમાં સૌથી ઝડપી ગતિએ વધ્યું હતું. ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, બ્રાઝિલ, કેનેડા, ચીન, યુરોપ, ઈન્ડોનેશિયા, અમેરિકા, યુએઈમાં માંગ મજબૂત રહી હતી. આગામી 12 મહિના માટે બિઝનેસ માહોલ કેવો રહેશે તે અંગે પૂછાતા મોટાભાગના મેન્યુફેક્ચરિંગ યુનિટ્સનો વિશ્વાસ ડિસેમ્બર 2022 પછીથી બીજા ક્રમનો સૌથી વધુ પોઝિટિવ જોવા મળ્યો હતો.
મેન્યુફેક્ચરિંગ કંપનીઓના માર્જિનમાં નોંધપાત્ર સુધારો થતા વધુ માંગ અને વધુ ઉત્પાદન અંગે તેમનો વિશ્વાસ વધ્યો છે. એચએસબીસી ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ એસ એન્ડ પી ગ્લોબલ દ્વારા કમ્પાઈલ તાય છે જેમાં 400 જેટલી મેન્યુફેક્ચરિંગ કંપનીઓના પરચેઝિંગ મેનેજર્સને પ્રશ્નોત્તરી મોકલીને તેમના અભિપ્રાય જાણવામાં આવે છે જેના આધારે આ તારણ આપવામાં આવે છે.