[ad_1]
રાજસ્થાનમાં પાલી જિલ્લામાં એક લગ્ન સમારોહમાં સ્ટેજ પર ડાન્સ કરી રહેલ 40 વર્ષીય એક ટીચરનું હાર્ટ એટેકથી મોત થઈ ગયું છે. ડાન્સ કરતા-કરતા ટીચર અચાનક નીચે પડી ગયા અને પછી ઉઠી શક્યા નહીં. શરૂઆતમાં લોકો તેને ડાન્સનું કોઈ સ્ટેપ સમજી રહ્યાં હતા. પરંતુ ત્યારબાદ ખબર પડતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ટીચરને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
સ્ટેજ પર ટીચરનો હાર્ટ એટેકથી થયેલા મોતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસ પ્રમાણે ટીચર સલીમ પઠાણ પાલી જિલ્લાના રાણાવાસ ગામમાં બનેલી રામસિંહ ગુડા સરકારી સ્કૂલમાં કાર્યરત હતા. તે શુક્રવારે રાત્રે પોતાના પરિવારની સાથે એક લગ્ન સમારોહમાં સામેલ થવા ગયા હતા. અચાનક તેમને હાર્ટ એટેક આપ્યો અને નીચે પડી ગયા હતા.
શરૂઆતમાં લોકો સમજી શક્યા નહીં કે શું થયું છે. ઘણા લોકોને લાગ્યું કે આ તેમના ડાન્સનો કોઈ સ્ટેપ છે. થોડી ક્ષણ બાદ લોકોને કંઈક થવાનો અહેસાસ થયો અને તેમને તત્કાલ રાજકીય હોસ્પિટલ મારવાડ જંક્શન લઈને દોડી પડ્યા હતા. ત્યાં પહોંચવા પર ડોક્ટરોએ જણાવ્યું કે સલીમ પઠાણને હાર્ટ એટેક આવ્યો હતો, જેનાથી તેનું નિધન થઈ ગયું છે. તેમના મોતની જાણકારી મળતા લગ્ન સમારોહમાં શોક છવાઈ ગયો હતો.
તેમને હાર્ટ એટેક આવ્યો તે સમયે વીડિયો રેકોર્ડ થઈ રહ્યો હતો, જે બાદમાં વાયરલ થઈ રહ્યો છે. મૃતક સલીમ પઠાણ ઘણી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. તે યુથ કોંગ્રેસના પૂર્વ બ્લોક અધ્યક્ષ હતા. તેમના આકસ્મિત નિધનથી લોકોમાં શોકની લાગણી જોવા મળી રહી છે. પરિવારના લોકો સમજી શકતા નથી કે જે વ્યક્તિ બે મિનિટ પહેલા ડાન્સ કરી રહ્યો હતો, તેને અચાનક હાર્ટ એટેક કેમ આવ્યો. તેમના પરિવાર માટે આ સમય મુશ્કેલ છે અને તેમના સાથી શિક્ષક તેમના પરિવારને સાંત્વના આપી રહ્યાં છે.
GNS NEWS