[ad_1]
વૈશ્વિક સ્તરે મોંઘવારીમાં રાહતથી વ્યાજદર વધારો અટકશે તેવા અહેવાલો વચ્ચે ઇક્વિટી માર્કેટમાં પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળ્યો છે. વિદેશ રોકાણકારોની આક્રમક ખરીદીના સપોર્ટથી સેન્સેક્સ દૈનિક ધોરણે નવી ઊંચાઇ સર કરી રહ્યો છે. વધુ 417.81 પોઈન્ટની તેજી સાથે 63000 પોઇન્ટની સપાટી કુદાવી 63099.65 પોઇન્ટની નવી ઊંચાઇ પર બંધ રહ્યો છે. જ્યારે ઇન્ટ્રા-ડેમાં 621.17 પોઈન્ટ ઊંચકાઇ 63303.01 પહોંચ્યો હતો. નિફ્ટી 140.30 પોઈન્ટ વધીને 18758.35 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પેકમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ, પાવર ગ્રીડ, હિન્દુસ્તાન યુનિલિવર, ભારતી એરટેલ, એશિયન પેઈન્ટ્સ, ટાટા સ્ટીલ તેજી તરફી રહ્યાં હતા. નવેમ્બર મહિનો ઇક્વિટી માર્કેટ માટે તેજીમય રહ્યો છે.
સેન્સેક્સ 2353 પોઇન્ટ, નિફ્ટી 746 પોઇન્ટ, ડોલર સામે રૂપિયો 1.40 પૈસા, સોનું 2300 અને ચાંદી 4500 રૂપિયા ઊંચકાઇ છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ નવેમ્બરમાં અત્યાર સુધી ભારતીય શેરબજારોમાં સરેરાશ 42000 કરોડથી વધુની ખરીદી કરી છે. આજે વિદેશી રોકાણકારો દ્વારા 9010.41 કરોડની ખરીદી સામે સ્થાનિકોએ 4056.40 કરોડની નેટ વેચવાલી નોંધાવી. માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે સેન્ટિમેન્ટ સુધારા તરફી રહ્યું છે.
બીએસઇમાં કુલ ટ્રેડેડ 3602 પૈકી 2058 સ્ક્રીપ્સમાં વધારો નોંધાયો હતો, જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ પોઝિટીવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ સુધારા તરફી રહ્યું હતું. ઈક્વિટીમાં તેજી વચ્ચે બુધવારે બીએસઈ-લિસ્ટેડ કંપનીઓનું માર્કેટકેપ રૂ. 288.50 લાખ કરોડની રેકોર્ડ ઊંચાઇએ પહોંચ્યું હતું.
રોકાણકારોની સંપત્તિ પણ સાત દિવસમાં રૂ. 7.60 લાખ કરોડ વધી છે. જોકે 2.40 લાખ કરોડ વધ્યું હતું. નવેમ્બર માસમાં જ રોકાણકારોની મૂડીમાં 9 લાખ કરોડનો જંગી વધારો થયો છે.
GNS NEWS