[ad_1]
(જી.એન.એસ),તા.૧૧
હરિયાણા,
હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાના કનીના કસ્બામાં આજે સવારે એક મોટો અકસ્માત સર્જાયો. જેમાં એક ખાનગી શાળા બસ બેકાબૂ બનીને પહેલા ઝાડ સાથે અથડાઈ અને પછી પલટી ગઈ. આ અકસ્માતમાં છેલ્લે મળતી માહિતી મુજબ 6 બાળકોના મોત થયા છે. જ્યારે અનેક બાળકો ઘાયલ થયા છે. બસમાં 35થી 40 બાળકો સવાર હતા. અકસ્માત બાદ 6 બાળકોની હાલાત ગંભીર હતી જેમને તાબડતોબ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેમાંથી 5 બાળકોના તો ત્યાં સુધીમાં મોત થઈ ચૂક્યા હતા. જ્યારે એક બાળક ગંભીર રીતે ઘાયલ હતું તેને સારવાર દરમિયાન વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો જો કે થોડીવાર બાદ તે બાળકે પણ દમ તોડ્યો. પોલીસના જણાવ્યાં મુજબ અકસ્માત મહેન્દ્રગઢ જિલ્લાના કનીના કસ્બામાં થયો. અકસ્માતનો ભોગ બનનારી બસ એક ખાનગી શાળાની છે. અકસ્માતમાં લગભગ 15 બાળકો ઘાયલ થયા છે. અકસ્માત કનીબા કસ્બાની નજીક કનીના-દાદરી રોડ પર થયો.
એવું કહેવાય છે કે અકસ્માત બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચ્યા ગયા હતા. સ્થાનિકોનો દાવો હતો કે બસ ચાલક નશાની હાલતમાં હતો. થોડીવાર બાદ પોલીસ અને પ્રશાસનની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને રેસ્ક્યૂ ઓપરેશન ચલાવીને ઘાયલ બાળકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી દીધી છે. સ્થાનિક લોકોના આરોપો બાદ પોલીસ એ વાતની પણ તપાસ કરી રહી છે કે શું બસ ચાલક દારૂના નશામાં હતો? મળતી માહિતી મુજબ અકસ્માતનો ભોગ બનેલી બસ ઉન્હાની ગામ પાસે પલટી ગઈ. આ બસ ખાનગી શાળા જીએલ પબ્લિક સ્કૂલની હતી. એવું કહેવાઈ રહ્યું છે કે આજે સરકારી રજા હોવા છતાં શાળા ચાલુ હતી અને બાળકોને લેવા માટે શાળામાંથી બસ મોકલવામાં આવી હતી. અકસ્માત બાદ બાળકોને રેસ્ક્યૂ કરતા સ્થાનિક લોકોનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં બસની સ્થિતિ જોઈને જ ખબર પડે કે કેવો ભયાનક અકસ્માત છે. આજુબાજુ બાળકો પણ લોહીથી લથપથ જોવા મળી રહ્યા છે. જેમને તરત સારવાર માટે મોકલવામાં આવી રહ્યા છે.