[ad_1]
(જી.એન.એસ),તા.૧૪
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે જોડાયેલા મુસ્લિમ રાષ્ટ્રીય મંચ (એમઆરએમ) એ દાવો કર્યો છે કે, દેશના મોટાભાગના મુસ્લિમો રામ મંદિરની તરફેણમાં છે અને તેઓ માને છે કે ભગવાન રામ “દરેકના” છે. ગુજરાતમાં એક ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવેલા સર્વેના આધારે, મુસ્લિમ મંચે એવો પણ દાવો કર્યો હતો કે લઘુમતી સમુદાયના લોકો, રાજકીય લાભ લેવાનો પ્રયાસ કરી રહેલા કહેવાતા ઉલેમાઓ, મૌલાનાઓ અને વિપક્ષી નેતાઓનો ‘બહિષ્કાર’ કરવા માગે છે. એક સર્વેક્ષણ અહેવાલને ટાંકીને, આરએસએસના વરિષ્ઠ નેતા ઈન્દ્રેશ કુમારની આગેવાની હેઠળના એમઆરએમએ જણાવ્યું હતું કે 74 ટકા મુસ્લિમો અયોધ્યામાં રામ મંદિરના નિર્માણથી “ખુશ” છે. એમઆરએમના નિવેદનના આધારે સર્વેમાં 74 ટકા મુસ્લિમોએ ખુલ્લેઆમ રામ મંદિરના પક્ષમાં અને 72 ટકા મુસ્લિમોએ મોદી સરકારની તરફેણમાં પોતાનો અભિપ્રાય આપ્યો છે.
એવો દાવો કરવામાં આવ્યો છે કે 26 ટકા મુસ્લિમોએ મોદી સરકારમાં કોઈ વિશ્વાસ વ્યક્ત કર્યો નથી અને ધાર્મિક કટ્ટરતાની વાત કરી છે. એમઆરએમએ કહ્યું, “આ લોકો સંમત થયા કે રામ આસ્થાનો પ્રશ્ન છે, પરંતુ તેઓ એવું નથી માનતા કે તેઓ ક્યારેય રામ મંદિરમાં જશે, ન તો તેઓને ભાજપ સરકાર પર વિશ્વાસ છે.” સંસ્થાએ કહ્યું કે આયુર્વેદ ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ વતી ‘રામ જન સર્વેક્ષણ’ હેઠળ દિલ્હી-એનસીઆર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા, કર્ણાટક, હરિયાણા, હિમાચલ, તેલંગાણા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશમાં યોજાઈ હતી. સર્વેને ટાંકીને સંસ્થાએ એવો પણ દાવો કર્યો હતો કે, “70 ટકા મુસ્લિમોને લાગે છે કે ભારત વિશ્વ શક્તિ તરીકે ઉભરી આવ્યું છે.” સંગઠને કહ્યું કે, “ઈસ્લામના નામે પોતાનો રાજકીય લાભ ખાટવાનો પ્રયાસ કરી રહેલા કહેવાતા ઉલેમા, મૌલાના અને વિપક્ષી નેતાઓનો સંપૂર્ણ બહિષ્કાર કરવો જોઈએ.”