[ad_1]
નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ 2025 સુધીમાં કાર્યરત થશે : નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા
(જી.એન.એસ),તા.૧૪
નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટની કોમર્શિયલ કામગીરી આવતા વર્ષથી શરૂ થશે. આ અંગેની જાણકારી નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપી છે. તેમણે કહ્યું કે, નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ 31 માર્ચ, 2025 સુધીમાં કાર્યરત થઈ જશે. આ એરપોર્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું 55 થી 60 ટકા જેટલું કામ પૂર્ણ થયું છે. આ પ્રોજેક્ટ 18,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે ડેવલોપ કરવામાં આવી રહ્યો છે. આ એરપોર્ટ ગૌતમ અદાણી ગ્રુપ દ્વારા વિકસાવવામાં આવી રહ્યું છે. નવી મુંબઈ એરપોર્ટ પ્રોજેક્ટને 5 તબક્કામાં વહેંચવામાં આવ્યો છે. તેની કુલ વાર્ષિક ક્ષમતા 9 કરોડ યાત્રિકોની રહેશે. આ પહેલા નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ એક મીટિંગમાં આ એરપોર્ટ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી હતી. જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, પહેલા તબક્કામાં વાર્ષિક ક્ષમતા 2 કરોડ યાત્રિકોની હશે.
તેમણે આગળ કહ્યું કે, એકવાર પ્રોજેક્ટના તમામ 5 તબક્કા પૂર્ણ થઈ જશે ત્યારે આ એરપોર્ટ પર 4 ટર્મિનલ અને 2 એરસ્ટ્રીપ્સ હશે. તેમણે કહ્યું કે, એરપોર્ટને રોડ, રેલ, મેટ્રો અને વોટરવે દ્વારા પણ જોડવામાં આવશે. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ એટલે કે AAHL જે ગ્રૂપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડની 100 ટકા સબસિડરી છે. આ કંપની દેશમાં આવેલા 7 એરપોર્ટનું સંચાલન કરે છે. તેમાં મેંગલુરુ, લખનૌ, અમદાવાદ, ગુવાહાટી, જયપુર, તિરુવનંતપુરમ અને મુંબઈના એરપોર્ટનો સમાવેશ થાય છે. તે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડમાં પણ 73 ટકા હિસ્સો ધરાવે છે. આ રીતે તેને નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડમાં 74 ટકા હિસ્સો મળ્યો છે. તેના સંચાલન અને વિકાસ પોર્ટફોલિયોમાં 8 એરપોર્ટ સાથે, AAHL એ ભારતની સૌથી મોટી એરપોર્ટ ઓપરેટિંગ કંપની છે. કંપની ભારતના હવાઈ મુસાફરોના ટ્રાફિકમાં 25% અને હવાઈ નૂર ટ્રાફિકમાં 33% હિસ્સો ધરાવે છે. અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડના વાઈસ પ્રેસિડેન્ટ જીત અદાણીએ કહ્યું હતું કે, કેટલાક સીમાચિહ્નો હાંસલ કર્યા બાદ ગૃપ આવનારા ભવિષ્યમાં તેના એરપોર્ટ બિઝનેસને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરી શકે છે.