[ad_1]
(જી.એન.એસ),તા.૨૩
વડોદરા,
વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર કાર્ય કરતા બાળકોની વિશિષ્ટ ઉપલબ્ધિઓને આ પુરસ્કાર થકી બિરદાવવામાં આવે છે
શારીરિક-માનસિક અક્ષમતા હોવા છતાં હેત્વીએ આત્મવિશ્વાસ થકી ફ્રી હેન્ડ પેઇન્ટિંગ અને પઝલ સોલ્વિંગમાં મહારથ મેળવી છે
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના વરદ્હસ્તે વડોદરાની હેત્વી ખીમસુરીયાને નવી દિલ્હી ખાતે ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યો હતો. વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર કાર્ય કરતા બાળકોની વિશિષ્ટ ઉપલબ્ધિઓને આ પુરસ્કાર થકી બિરદાવવામાં આવે છે. હેતવીએ સેરેબ્રલ પાલ્સી જેવા ગંભીર રોગના કારણે શારીરિક-માનસિક અક્ષમતા હોવા છતાં આત્મવિશ્વાસ થકી ફ્રી હેન્ડ પેઇન્ટિંગ અને પઝલ સોલ્વિંગમાં મહારથ મેળવી છે. આ ઉપરાંત, પોતાને મળતા માસિક વિકલાંગતા પેન્શનનું મનોદિવ્યાંગ બાળકો માટે દાન કરે છે તેમજ ‘સ્પેશિયલ ચાઇલ્ડ એજ્યુકેશન એક્ટિવિટી હેતવી ખીમસૂરીયા’ નામની યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે. અક્ષમતાને સક્ષમતા બનાવી રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરનાર આ દીકરી પર વડોદરા સહિત ગુજરાતને ગર્વ છે.
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા ધો. ૮માં અભ્યાસ કરતી ૧૨ વર્ષની હેત્વી કાન્તીભાઇ ખીમસુરિયા જે અસંખ્ય કષ્ટો વેઠીને પોતાની કળા થકી ગુજરાતનું ગૌરવ બની છે. ૭૫ ટકા સેરેબ્રલ પાલ્સી જેવા ગંભીર રોગથી પીડિત હેત્વી બોલવા અને ચાલવામા અસમર્થ છે. આ અગાઉ આ દીકરીએ ગુજરાત બુક ઓફ રેકોર્ડ ૨૦૨૩માં ફ્રી હેંડ પેઇન્ટિંગ, ક્રાફટ અને પઝલ ઉકેલીને ગુજરાતની પ્રથમ દિવ્યાંગ દીકરી તરીકે નામ અંકીત કર્યું હતું.
ઇન્ડીયા બુક ઓફ રેકોર્ડ ૨૦૨૩માં કલાના ક્ષેત્રમાં મહતમ પ્રમાણપત્રો મેળવ્યા બાદ બ્રેવો ઈન્ટરનેશનલ વર્લ્ડ રેકોર્ડ ૨૦૨૩માં “વિશ્વની પ્રથમ અસાધારણ કૌશલ્યો ધરાવનાર સી. પી ગર્લ”( ફ્રી હેંડ પેઇન્ટિંગ, ક્રાફટ અને પઝલ સામન્ય જ્ઞાન જાણકાર ) તરીકે નામ અંકિત કર્યું હતું.
લંડન બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ ૨૦૨૩ માં ૧૦૦ શૈક્ષિણક પઝલ ઉકેલનાર વિશ્વની પ્રથમ સી. પી ગર્લ તરીકે, વડોદરા જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ દિવ્યાંગ દીકરી તરીકે “પ્રશસ્તિ પત્ર” મેળનાર પ્રથમ મનોદિવ્યાંગે ગુજરાતનાં આરોગ્ય મંત્રીનાં હસ્તે સન્માન મેળવ્યું હતું.
૭૫ ટકા દિવ્યાંગતા હોવા છતાં ૧૧૦ જેટલાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્રો પ્રાપ્ત કર્યા છે. વધુમાં પોતાની કળા થકી માત્ર ૧૨ વર્ષની ઉંમરમાં ગુજરાતના રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી, આરોગ્યમંત્રીશ્રી, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી, શિક્ષણમંત્રીશ્રી, રમત ગમત તેમજ ગૃહમંત્રીશ્રીના હસ્તે સન્માન પ્રાપ્ત કર્યુ છે.
હેત્વી પોતાની એક યુ-ટ્યુબ ચેનલની માલિકી ધરાવે છે:-“Special Child Education Activity Hetvi Khimsuriya” નામની ચેનલમાં કલાના વીડિયો અપલોડ કરીને ગુજરાતની ૩૦ જેટલી શાળાઓમાં તેનાં વીડિયો બતાવીને બાળકોને કલા તરફ વળ્યા છે. ભારતની ૫૦ જેટલી આર્ટ ગેલેરીમાં તેનાં ચિત્ર, ક્રાફટ પ્રદર્શન કરી ચૂકી છે.
માતા-પિતાનું એક માત્ર દિવ્યાંગ સંતાન છે. તેના પિતા કાંતિભાઈ વડોદરાના દિવ્યાંગ બાળકો તેમજ અનાથ બાળકો માટે વિશેષ કાર્ય કરી રહ્યાં છે. માતાએ પણ પોતાની દિવ્યાંગ દીકરી માટે પોતાની સરકારી નોકરી છોડી દીધી. કારણ કે હેત્વી ૫ વર્ષે બેસતાં ૬ વર્ષે વસ્તુ પકડતાં શીખી હતી.
હેત્વી ભારત સહિત વિશ્વનાં મનોદિવ્યાંગ બાળકો, દિવ્યાંગ બાળકો અને સામાન્ય બાળકોની પ્રેરણા સ્ત્રોત બની રહી છે. સો સો સલામ હેત્વીને..