[ad_1]
લોકપાલે કેશ ફોર ક્વેરી કેસમાં ટીએમસી નેતા અને સાંસદ મહુઆ મોઇત્રા સામે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો
(જી.એન.એસ),તા.૨૦
નવીદિલ્હી,
લોકપાલે કેશ ફોર ક્વેરી કેસમાં ટીએમસી નેતા અને સાંસદ મહુઆ મોઇત્રા સામે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. CBIને મહુઆ મોઇત્રા સામે IPC 203(a) હેઠળ કેસ નોંધવા અને 6 મહિનાની અંદર તપાસ કરીને રિપોર્ટ સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે આદેશમાં સીબીઆઈને દર મહિને તપાસની પ્રગતિ વિશે લોકપાલને જાણ કરવા પણ કહેવામાં આવ્યું છે.
નવેમ્બર 2023માં સીબીઆઈએ લોકપાલના આદેશ પર PE એટલે કે પ્રાથમિક તપાસ શરૂ કરી હતી અને રિપોર્ટ લોકપાલને સુપરત કર્યો હતો, ત્યારબાદ આ આદેશો આપવામાં આવ્યા છે. નિશિકાંત દુબેએ આરોપ લગાવ્યો હતો કે મહુઆ મોઇત્રાએ ઉદ્યોગપતિ હિરાનંદાની પાસેથી પૈસા લીધા લઈને સંસદમાં પ્રશ્નો પૂછ્યા છે.
લોકપાલે પોતાના આદેશમાં કહ્યું છે કે, જનપ્રતિનિધિના ખભા પર વધુ જવાબદારી અને બોજ હોય છે. ભ્રષ્ટાચાર એ એક રોગ છે જે આ લોકશાહી દેશની કાયદાકીય, વહીવટી, સામાજિક અને આર્થિક કામગીરીને પ્રતિકૂળ અસર કરી રહ્યો છે. તે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટ પ્રથાઓને જડમૂળથી ઉખેડવા માટે તમામ પ્રયાસો કરવા એ અમારી ફરજ છે.
ઉલ્લેખનીય છે કે તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનર્જીએ આ વખતે કૃષ્ણનગર બેઠક પરથી મહુઆ મોઇત્રાને ફરી લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર બનાવ્યા છે. આ આદેશ પર સીબીઆઈ સૂત્રોનું કહેવું છે કે હજુ સુધી કેસ નોંધવામાં આવ્યો નથી, લોકપાલના આદેશને જોઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે. કેસ નોંધતા પહેલા DoPT એક આદેશ જાહેર કરે છે જેના પછી CBI કેસ નોંધશે અને તપાસ શરૂ કરશે.