[ad_1]
લોકસભા ચૂંટણી માટે હવે લગભગ દોઢ વર્ષનો સમય બચ્યો છે અને ભારતીય જનતા પાર્ટીએ તૈયારીઓ તેજ કરી છે. ભાજપે સતત ત્રીજીવાર સત્તામાં પાછા ફરવા માટે ગેમ પ્લાન બનાવ્યો છે અને તેના માટે 160નો નવો ફોર્મ્યુલા લઈને આવી છે. ભાજપના સંગઠનાત્મક નેતાઓએ સોમવારે પાર્ટી અધ્યક્ષ જે પી નડ્ડા સાથે મુલાકાત કરી અને ચૂંટણી અંગે અત્યાર સુધીની કવાયતની સમીક્ષા કરવાની સાથે સાથે ભવિષ્યના રોડમેપની પણ ચર્ચા કરી. ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024 માટે કપરી ગણાતી 160 લોકસભા સીટોની પસંદગી કરી છે જેને જીતવાનું પાર્ટીનું ફોકસ રહેશે.
આ અગાઉ પાર્ટીએ 144 સીટોની પસંદગી કરી હતી. જેમાંથી મોટાભાગની બેઠકો પર 2019ની ચૂંટણીમાં ભાજપે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે બિહારમાં જનતા દળ યુનાઈટેડ (જેડીયુ) સાથે ગઠબંધન તૂટ્યા બાદ ભાજપે પડકારજનક બેઠકોની સંખ્યા વધારીને 160 કરી નાખી છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ ભારતીય જનતા પાર્ટી બિહાર અને તેલંગણામાં વિસ્તાર પર ખુબ જોર લગાવી રહી છે. પાર્ટીએ પટણા અને હૈદરાબાદમાં પોતાના વિસ્તારકો માટે બે દિવસની તાલિમ શિબિરનું પણ આયોજન કર્યું છે. જેમની પાસે લોકસભા બેઠકોનું પૂર્ણકાલિક પ્રભાર છે.
સૂત્રોએ જણાવ્યું કે બિહારની બેઠક 21 અને 22 ડિસેમ્બરના રોજ પ્રસ્તાવિત છે. જ્યારે હૈદરાબાદમાં 28 અને 29 ડિસેમ્બરે બેઠક થવાની શક્યતા છે. પટણામાં થનારી બેઠકમાં 90 લોકસભા બેઠકો પર ધ્યાન કેન્દ્રિત થાય તેવી આશા છે. જ્યારે હૈદરાબાદની બેઠકના એજન્ડામાં 70 બેઠકો હશે. દેશના અલગ અલગ રાજ્યોની ભાજપ માટે પડકારજનક ગણાતી આ બેઠકો પર વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે મોટાભાગની બેઠકો પર હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે હવે ભાજપે આવી બેઠકોની જે નવી યાદી તૈયાર કરી છે તેમાંથી કેટલીક બેઠકો એવી છે જ્યાં પાર્ટીએ જીત મેળવી હતી. પરંતુ પાર્ટીનું માનવું છે કે આ વિસ્તાર સ્થાનિક સામાજિક અને રાજનીતિક કારણોને લીધે પડકાર બનેલા છે.
વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ અને નીતિશકુમારની પાર્ટી જેડીયુએ બિહારમાં 17-17 બેઠકો પર ચૂંટણી લડી હતી. ભાજપે તમામ બેઠકો પર જીત મેળવી જ્યારે જેડીયુના ખાતામાં 16 બેઠકો આવી હતી. આ ઉપરાંત અન્ય 6 બેઠકો પર ભાજપના સહયોગીઓ અને રામવિલાસ પાસવાનની પાર્ટી લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)એ જીત મેળવી હતી. સૂત્રોના જણાવ્યાં મુજબ ભાજપ આ 160 સીટો પર મતદારો સુધી પહોંચ વધારવા અને સંગઠનાત્મક તંત્રનો વિસ્તાર કરવા માટે કામ કરી રહ્યું છે. આ માટે પાર્ટીએ મોટી સંખ્યામાં કેન્દ્રીય મંત્રીઓને આ કવાયતમાં સામેલ કરવાનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. પાર્ટીના ટોચના નેતાઓ નિયમિત રીતે આ સીટો પર પાર્ટીની ગતિવિધિઓની સમીક્ષા પણ કરતા રહે છે.
(ઈનપુટ ભાષા)
GNS NEWS