(જી.એન.એસ) તા. 23

દાંતા,

બનાસકાંઠાનાં દાંતા તાલુકામાં GSRTC બસને અકસ્માત નડ્યો હતો જેમાં, કુંવારસી નજીક આવેલ ઘાટીમાં એસટી બસ અચાનક ગરમ થઈને બંધ થઈ હતી અને રોડની નીચે ઉતરી ગઈ હતી. જો કે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિનાં સમાચાર નથી. પરંતુ, બસમાં સવાર 40-45 મુસાફરો પૈકીનાં 10-12 મુસાફરોને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે અંબાજી અને દાંતાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને દાંતા મામલતદાર અને હડાદ પોલીસ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ, બનાસકાંઠાના અંબાજી નજીક કુંવારસી નજીક ખેડબ્રહ્માથી ધાનેરા જતી ST બસ આજે (23 જુલાઈ) બપોર બાદ દાંતા તાલુકાના કુંવારસી ઘાટી નજીક રોડથી નીચે ઉતરી ગઈ હતી. આ મામલે બસના ડ્રાઇવરે જણાવ્યું હતું કે, ‘બસ પહેલા અચાનક ગરમ થઈ જતાં બંધ થઈ ગઈ હતી અને રોડની નીચે જતી ઉતરી ગઈ હતી.’

આ ઘટનામાં જીએસઆરટીસી બસ 50 ફૂટ નીચે ખાડામાં ખાબકી હતી. જેથી બસના મુસાફરોને ઈજા પહોંચી હતી. અકસ્માતને લઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટનાસ્થળે આવી જતાં ઈજાગ્રસ્તોને તાબડતોબ દાંતા અને અંબાજીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. જોકે, અકસ્માતના બનાવમાં કોઈ મોટી વધુ જાનહાનિ ન થઈ હોવાનું સામે આવ્યું છે.