(જી.એન.એસ) તા. 14
બનાસકાંઠા,
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની વેકરી આશ્રમશાળાના 35થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું છે. પ્રાથમિક માહિતી અનુસાર, બાળકોને ઝાડા-ઉલ્ટીની ફરિયાદ થતાં રવિવારે રાતે 9 બાળકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યારે, સોમવાર સુધીમાં વધુ 33 બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. તમામ બાળકોને માંકડી સીએચસી ખાતે ખસેડવામાં આવ્યાં છે. જ્યારે 2 બાળકોને ખેડબ્રહ્મા હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
આ દરમિયાન, 1 બાળકનું મોત નીપજ્યું હોવાનાં સમાચાર છે. આ અંગે જ્યારે આશ્રમશાળાનાં આચાર્યને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, જે બાળકનું મોત થયું છે તે શાળાનો વિધાર્થી નથી. મૃતક યુવક પોતાના ભાઈને મળવા આવ્યો હતો અને મૃત યુવકને આ શાળામાં એડમિશન લેવાનું બાકી હતું. જ્યારે એક વિદ્યાર્થીના જણાવ્યા મુજબ, શનિવારે દાળ ઢોકળી બનાવી હતી. ત્યાર બાદ રવિવારે વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી.
આ આશ્રમશાળા દાંતા તાલુકાનાં અંતરિયાળ વિસ્તારમાં આવેલી છે. અહીં, આશરે 500 જેટલા બાળકો અભ્યાસ કરે છે. આ ઘટના બાદ માંકડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં પરિવારજનો પહોંચ્યા હતા. ઘટનાની ગંભીરતા સમજી SDM, તાલુકા આરોગ્ય અધિકારી, મામલતદાર, TDO, પોલીસ અધિકારી સહિતનો કાફલો પણ માંકડી પહોંચ્યો હતો. શાળાનાં તમામ બાળકો 48 કલાક સુધી શિક્ષકોની દેખરેખ હેઠળ રહેશે અને શાળા ખાતે આરોગ્ય વિભાગ પણ જરૂરી દવાઓ લઈ પહોંચ્યું હોવાની માહિતી છે. સ્થાનિક પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


























































































































































































































































































































































































































































































































































































































