(જી.એન.એસ) તા. ૩૧
ગાંધીનગર,
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાત સહિત ભારતભરમાં શરૂ કરવામાં આવેલ ‘એક પેડ મા કે નામ ૨.૦ અભિયાન’ અંતર્ગત ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ ઓફિસર- WIVES એસોસિએશનના અધ્યક્ષા અને વન વિભાગના વડા ડૉ.એ.પી.સિંઘના નેતૃત્વમાં પુનિત વન,ગાંધીનગર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
જેમાં મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીના ધર્મપત્ની અને IAS WIVES એસોસિએશનના અધ્યક્ષા શ્રીમતી જ્યોત્સના જોષી, IPS WIVES એસોસિએશનના અધ્યક્ષા અને પોલીસ વડા શ્રી વિકાસ સહાયના ધર્મ પત્ની શ્રીમતી અનુરાધા સહાય સહિત તેમની સમગ્ર ટીમ આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉત્સાહભેર સહભાગી બની હતી.
IFS- WIVES એસોસિયેશન ના અધ્યક્ષા તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમના મુખ્ય આયોજક શ્રીમતી ગીતા સિંઘે આ પ્રસંગે જણાવ્યું હતું કે,પર્યાવરણના સંવર્ધન,જતન અને સંરક્ષણના ધ્યેય સાથે ગાંધીનગર અને અમદાવાદ ખાતે સેવારત અંદાજે ૫૫ જેટલા IAS, IPS અને IFS અધિકારીઓની ધર્મ પત્ની -ટીમ દ્વારા તેમના નામ સાથે ‘એક પેડ મા કે નામ ૨.૦ અભિયાન’ અંતર્ગત વિવિધ પ્રકારના કુલ ૧૧૧ વૃક્ષો રોપવામાં આવ્યા હતા.
જેમાં મુખ્યત્વે પીંપળ, વડ, જાંબુ, કુસુમ આંબળા, રાયણ, બોરસલ્લી, સરગવો ઉમરો, ખાટી આંબલી, બહેડા, કાજલિયા,અર્જુન સાદળ, પૌગારો અને રેન્ટ્રી જેવા ફળાઉ તેમજ ઔષધીય વૃક્ષોનો સમાવેશ થાય છે તેમ,તેમણે ઉમેર્યું હતું.



























































































































































































































































































































































































































































































































































































































