રાજ્યના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને વધુ વેગવંતુ બનાવવા મંત્રી શ્રી બલવંતસિંહ દ્વારા વિવિધ ૧૪ પ્રશ્નોની રજૂઆત કરાઇ

(જી.એન.એસ) તા. 11

મુંબઈ/ગાંધીનગર,

કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા આજે મુંબઈ ખાતે ‘પશ્ચિમ ક્ષેત્ર નાગરિક ઉડ્ડયન પર મંત્રીઓની પરિષદ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદમાં રાજ્યનાં નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહી ગુજરાતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને વધુ વેગવંતુ બનાવવા વિવિધ ૧૪ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. જેના હકારાત્મક નિકાલ માટે કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી રામમોહન દ્વારા સંબધિત અધિકારીશ્રીઓને સૂચન કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતનું નાગરિક હવાઈ ક્ષેત્ર ઝડપથી વિકાસ પામી રહ્યું છે. જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા આ ક્ષેત્રમાં અનેક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય તથા સરકાર અને ઉદ્યોગ વચ્ચે સહકાર વધારવા તેમજ પશ્ચિમ ભારત માટે હવાઈ પરિવહન વૃદ્ધિ ઝડપી બનાવવાના ઉદ્દેશ્યથી આ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એરપોર્ટ અને હેલીપેડ ડેવલપમેન્ટ મોડેલ, મેઇન્ટેનન્સ, રિપેર અને ઓવરહોલ- MRO, રાજ્યો સાથે DGCA ઇન્ટરફેસ, ડ્રોન ઓપરેશન્સનું વિસ્તરણ અને ઉડાન 2.0 હેઠળ કનેક્ટિવિટી સહિતની ચર્ચાઓ કરવામાં આવી હતી.

આ પરિષદમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી રામમોહન નાયડુ કિંજરાપુ, કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી શ્રી મુરલીધર મોહોલ, મધ્યપ્રદેશના પરિવહન મંત્રી શ્રી ઉદયપ્રતાપ સિંહ, કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવ શ્રી સમીરકુમાર સિંહા, ગુજરાત નાગરિક ઉડ્ડયન વિભાગના સચિવ ડૉ. રાજેન્દ્ર કુમાર અને કમિશનર ડૉ. ધવલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.