SEOC-ગાંધીનગર ખાતે રાહત કમિશનર શ્રી આલોકકુમાર પાંડેની અધ્યક્ષતામાં વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ
(જી.એન.એસ) તા. 1
ગાંધીનગર,
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર (SEOC) ખાતે આજે રાહત કમિશનર શ્રી આલોકકુમાર પાંડેના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે સંબંધિત વિભાગોની તૈયારી અંગે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. રાહત કમિશનરશ્રીએ રાજ્યમાં સંભવિત તમામ પરિસ્થિતિને પહોંચી વળવા વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં હવામાન વિભાગના અધિકારીશ્રીએ રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આગામી સપ્તાહમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના છે. આ સંદર્ભે સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા કરી સંભવિત જોખમો સામે એલર્ટ રહેવા તેમણે જણાવ્યું હતું.
NDRFના અધિકારીશ્રીએ આ બેઠકમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ભારે વરસાદની કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRF તથા SDRFની કુલ ૩૨ ટીમો જિલ્લા કક્ષાએ ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત ૨ ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
આ બેઠકમાં સિંચાઇ વિભાગના અધિકારીશ્રીએ રિઝિયન વાઈઝ પાણીના સંગ્રહની સ્થિતિ વિશે માહિતી આપી હતી. જે મુજબ રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી ૨૧ જળાશયો હાઇએલર્ટ, ૧૨ જળાશયો એલર્ટ પર તથા ૧૯ જળાશયો વોર્નિંગ પર છે.
માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં ઓવર ટોપીંગ અને પાણી ભરાવાના કારણે ૯૪ રસ્તા બંધ છે. જે પાણી ઉતરતા પૂર્વવત કરવામાં આવશે.
આ બેઠકમાં CWC-મહી અને તાપી ડિવીઝન, વન વિભાગ, આરોગ્ય વિભાગ, ઊર્જા વિભાગ, GSRTC, શહેરી વિકાસ વિભાગ, પંચાયત વિભાગ, કૃષિ અને પશુપાલન વિભાગ, ISRO, ફીશરીઝ સહિતના વિવિધ વિભાગના નોડલ અઘિકારીશ્રીઓ હાજર રહ્યાં હતા.



























































































































































































































































































































































































































































































































































































































