(તખુભાઈ સાંડસુર)
અમદાવાદ,
ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ અનેક પ્રકારના શિક્ષણના પ્રકલ્પો માટે હવે ગુજરાતનું જાણીતું બ્રાન્ડ નેઈમ બની ગયું છે. તેમના માધ્યમથી જાહેર પરીક્ષાઓના માર્ગદર્શન, ઉત્તમ પ્રકારના શિક્ષણ પ્રકાશનો અને વિદ્યાર્થીલક્ષી અનેક પ્રવૃત્તિઓ થઈ રહી છે. આ બધું જ સ્વૈચ્છિક રીતે એક સમર્પણભાવથી ગતિ કરી રહ્યું છે.બાલ સાહિત્યકાર સ્વ. જીવરામ જોશીની 121મી જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં તેને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવા અને વિદ્યાર્થીઓમાં લુપ્ત થતી જતી બાલવાર્તા પ્રવૃત્તિને વેગવંતી કરવા “જીવરામ જોષી બાલવાર્તા અભિયાન”નો પ્રારંભ અમદાવાદના એસજીવીપી કેમ્પસ ખાતેથી તારીખ 6 જુલાઈના રોજ કરવામાં આવ્યો.
આ કાર્યક્રમમાં આશિર્વાદક ઉદબોધન કરતા સંત શ્રી પુ.યજ્ઞવલ્લભસ્વામીએ આ પ્રકારની પ્રવૃત્તિઓ આપણાં સાંસ્કૃતિક વારસાના જતન કરવા માટે ઉપયોગી છે અને તેને બળ આપવા માટે અમે કૃતનિશ્ર્ચયી જ હોઈએ છીએ.સંસ્થાના સંયોજક અને પ્રેરક શ્રી તખુભાઈ સાંડસુરે સ્વાગત કરતા કહ્યું કે આ સમગ્ર પ્રવૃત્તિ બાલકેન્દ્રી બનાવીને આપણે સૌ વાર્તાઓને જગતના ચોકમાં મુકવી જોઈએ. મને ગૌરવ છે કે આ અભિયાનની સાથે 60 જેટલા પ્રવક્તાઓ જોડાઈને 400થી વધુ શાળાઓમાં બાલવાર્તાને પહોંચાડવાનો સંકલ્પ કરી ચૂક્યાં છે.વધુ લોકો તેમાં તેનું પદાર્પણ કરશે તેવી શ્રદ્ધા છે.બાલ સાહિત્યકાર શ્રી યશવંત મહેતાએ બાલ પ્રવૃત્તિઓ જીવનને ઘડવામાં અને મૂલ્યોને સ્થાપિત કરવામાં મહત્વ ધરાવે છે.તેનું સર્જન કરનારા પણ લાંબો સમય સુધી આયુષ્ય ભોગવે છે તેમ જણાવ્યું. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ શ્રી પુલકીત જોશીએ કહ્યું કે આ અભિયાન એ અમારા માધ્યમથી સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે પહોંચે અને રાજ્યની 33000 શાળાઓમાં પહોંચાડવાની નેમ છે.આપણે સૌ તે માટે પ્રયત્ન કરીશું. સ્વ. જીવરામ જોષીના પુત્ર અને ફિલ્મ નિર્માતા ભાર્ગવ જોષીએ જીવરામ દાદા જોષીના સમગ્ર જીવનને બાલાભિમુખ ગણાવીને તેમના જીવનના ઘણાં બધા પ્રસંગોની રજૂઆત કરી સૌને અચંબિત કર્યા હતા. ફિલ્મ અભિનેત્રી સુશ્રી પ્રાપ્તિ અજવાળિયાએ ઉત્તમ કાર્યક્રમમાં જોડવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો.બાલ સાહિત્યકાર ડો.શ્રધ્ધાબેન ત્રિવેદીએ બાલવાર્તાઓને સ્પર્શતા મુદ્દાઓની છણાવટ કરી.શિક્ષણવિદ્ શ્રી સુખદેવ પટેલ અને ડો.નિષાદ ઓઝાએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યાં હતાં.આભાર દર્શન શ્રી શ્યામજીભાઈ દેસાઈએ કર્યું હતું.સત્ર સંચાલન શ્રી ભગવતદાન ગઢવી અને ડો.અશ્ર્વિન આણદાણીએ કર્યું હતું.
બાલવાર્તા સંગોષ્ઠિમા ગુજરાતના 18 જિલ્લાના શિક્ષણ સાધકો ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર આયોજનમાં જિલ્લાના સંયોજક શ્રીઓ સંજ્યભાઈ પટેલ, પ્રદિપસિંહ સિંધા, સંજ્યભાઈ મકવાણા, હરેશભાઈ સોડવડિયા, ચિરાગભાઈ પટેલ, નયનાબેન સુથાર, દિપ્તીબેન જોષી,પરેશભાઈ હિરાણી,લીલાબેન ઠાકરડા વગેરેએ મહત્વની ભુમિકા ભજવી હતી.









































































































































































































































































































































































































































































































































































































































