(જી.એન.એસ) તા. 14
સાબરકાંઠા,
સાબરકાંઠામાં સાબરડેરીમાં ભાવ ફેર મુદ્દે મોટી સંખ્યામાં પશુપાલકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પશુપાલકોએ હિંમતનગર તલોદ વચ્ચેનો મુખ્યમાર્ગ બંધ કર્યો હતો. રોડ પર બેસીને ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો. પશુપાલકોએ ડેરી સામે 25 ટકા સુધીનો ભાવફેર ચૂકવવા માગ કરી છે.ખેડૂતોના ટોળા ઉમટતા પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.
પશુપાલકો દ્વારા પોલીસ ઉપર પથ્થરમારાની ઘટના પણ બની હતી. પશુપાલકો બેકાબુ થતાં પોલીસ દ્વારા લાઠીચાર્જ કરી દેવામાં આવ્યો હતો. આ ઘટના સમયે સાબર ડેરીના ગેટને પણ નુકસાન પહોંચાડાયું હતું. પોલીસ દ્વારા 20થી વધુ ટીયરગેસનો મારો ચલાવાયો હતો. આ અથડામણમાં પોલીસના ચાર કર્મચારીઓને ઈજા પહોંચી હતી. આ ઉપરાંત આઠ જેટલા લોકોને નાની નોટી ઈજા પહોંચી હતી.
આ મામલે મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સાબર ડેરી ખાતે પશુપાલકો ભાવ ફેર ઓછો ચૂકવાયાનો વિરોધ કરવા એકઠા થયા હતા. આ દરમિયાન પશુપાલકોને તેમની માગણીઓ રજૂ કરવા માટે ડેરીના કમ્પાઉન્ડમાં જતા અટકાવાયા હતા. જેના પગલે પોલીસ અને પશુપાલકો વચ્ચે માથાકૂટ વધી ગઈ હતી. પશુપાલકોની એવી ફરિયાદ હતી કે અમને ગયા વર્ષ કરતાં પણ ઓછા પૈસા ચૂકવાયા છે. પશુપાલકોની સાથે ખેડૂતો પણ આ દેખાવોમાં જોડાયા હતા. ત્યારે ડીવાએસપી, 4 પીઆઈ અને 8 પીએસઆઈ સહિત કુલ 80 જેટલા પોલીસકર્મીઓનો કાફલો સ્થિતિને સંભાળવા ત્યાં આવી પહોંચ્યો હતો. સાબર ડેરી સામે જ પશુપાલકોએ નારેબાજી શરુ કરી હતી જેના લીધે સ્થિતિ વણસી હતી.



























































































































































































































































































































































































































































































































































































































