રાજ્યમાં AI ઈકોસિસ્ટમને વેગ આપીને વિકસિત ગુજરાત@2047 માટે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સ્ટ્રેટેજીનો પંચવર્ષીય અભિગમઃ એક્શન પ્લાન ફોર ઇમ્પ્લીમેન્ટેશન ઓફ A.I. (2025-2030)
વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં AI સેક્ટરમાં વૈશ્વિક નેતૃત્વ માટે ભારતની પ્રતિબદ્ધતાને સુસંગત ગુજરાતનો એક્શન પ્લાન ફોર ઇમ્પ્લીમેન્ટેશન ઓફ A.I.
(જી.એન.એસ) તા. 27
ગાંધીનગર,
રાજ્યની શાસન વ્યવસ્થામાં સ્માર્ટ ડિસીઝન, નાગરિકલક્ષી યોજનાઓ, સેવા વિતરણ પ્રણાલી અને કલ્યાણ યોજનાઓનો લાભ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી ઝડપી અને અસરકારક રીતે મળે તે માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે એક્શન પ્લાન ફોર ઇમ્પ્લીમેન્ટેશન ઓફ આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ 2025-2030ને મંજૂરી આપી છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની AIના વ્યાપક ઉપયોગથી ડિજિટલ એમ્પ્વારમેન્ટ અને ટેકનોલૉજીકલ સેક્ટરમાં ભારતને વિશ્વનું નેતૃત્વ કરવા સજ્જ બનાવવાની પ્રતિબદ્ધતાને સુસંગત ગુજરાતનો આ એક્શન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ટેકનોલૉજી ડ્રિવન ગવર્નન્સ અને સામાજિક-આર્થિક વિકાસમાં ગુજરાતને અગ્રેસર રાખીને વિકસિત ગુજરાત@2047ના વિચાર સાથે શાસન વ્યવસ્થા અને સરકારના વિભાગોમાં A.I.નો સમુચિત ઉપયોગ કરવાની જાહેરાત સોમનાથમાં નવેમ્બર-2024માં યોજાયેલી વાર્ષિક ચિંતન શિબિરમાં કરી હતી.
આ દૃષ્ટિકોણને અનુરૂપ ગવર્નન્સ, આરોગ્ય સંભાળ, શિક્ષણ, કૃષિ, ફિનટેક તથા અન્ય મિશન-ક્રિટીકલ ક્ષેત્રોમાં AIને રાજ્યવ્યાપી બનાવવા 10 સભ્યોની એક તજજ્ઞ AI ટાસ્કફોર્સ કમિટિની રચના પણ કરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીએ આ ટાસ્કફોર્સની ભલામણોના આધારે તેમની સમક્ષ રજૂ થયેલા એક્શન પ્લાન ફોર ઇમ્પ્લીમેન્ટેશન ઓફ એ.આઈ. 2025-2030ને અનુમોદન આપ્યું છે.
મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનમાં તૈયાર થયેલો આ એક્શન પ્લાન રાજ્ય સરકારને અદ્યતન AI ક્ષમતાઓથી સજ્જ કરવા માટે ટાઈમ બાઉન્ડ બ્લૂપ્રિન્ટ તરીકેનું કાર્ય કરશે. એટલું જ નહિ, સરળતાએ સેવા વિતરણ, બહેતર નાગરિક જીવનની સુનિશ્ચિતતા, જીવનમાં ગુણવત્તા વૃદ્ધિ સાથેની સમૃદ્ધ નવીનતાપૂર્ણ AI ઇકોસિસ્ટમ પણ ઊભી થશે.
એક્શન પ્લાનના સુવ્યવસ્થિત અને સમયસર અમલીકરણ માટે, રાજ્ય દ્વારા એક સમર્પિત AI અને ડિપટેક મિશનની સ્થાપના કરવામાં આવશે. આ મિશન રાજ્ય સરકારમાં AI સ્ટ્રેટેજીસ અને ઊભરતી ટેકનોલૉજી માટેની ડિઝાઈન, અમલીકરણ અને ઇનોવેશનમાં નેતૃત્વકર્તાના રૂપમાં એક વિશિષ્ટ સંસ્થાકીય પદ્ધતિ તરીકે કાર્ય કરશે.
આ ઉપરાંત, સ્ટાર્ટઅપ્સ, શૈક્ષણિક શોધ-સંશોધન અને ઉદ્યોગોને સહયોગથી સુદ્રઢ ઈકોસિસ્ટમને બળ આપશે. AI અને તેને સંલગ્ન ટેકનોલૉજીસમાં વર્કફોર્સની સ્કીલીંગ, રિ-સ્કિલીંગ અને અપસ્કીલીંગ પર ફોકસ કરશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સાયન્સ એન્ડ ટેકનોલૉજી વિભાગે આ એક્શન પ્લાનનો રોડમેપ મુખ્યત્વે છ પિલ્લર પર ધ્યાનમાં રાખીને કર્યો છે. તદઅનુસાર,
1. ડેટા – AI વિકાસ માટે એક સુરક્ષિત, ઇન્ટરઓપરેબલ અને નિયમનકારી-અનુરૂપ ડેટા ઇકોસિસ્ટમ સ્થાપિત કરને વ્યાપક AI ડેટા ગવર્નન્સ માળખું ઘડીને નિયમનકારી ધોરણો સાથે સમરૂપતા સુનિશ્ચિત કરાશે.
2. ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર – ટિઅર-2 અને ટિઅર-3 શહેરોમાં AI ફેક્ટરીઓ સાથે GPU અને ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ અને AIRAWAT જેવા રાષ્ટ્રીય પ્લેટફોર્મની ઍક્સેસ અપાશે.
3. કેપેસિટી બિલ્ડીંગ – વિદ્યાર્થીઓ, MSME અને સરકારી અધિકારીઓ સહિત 2.5 લાખથી વધુ વ્યક્તિઓને AI, ML અને સંબંધિત ડોમેન્સમાં તાલીમ આપવાનું લક્ષ્ય છે.
4. R&D અને યુઝ-કેસિસ – સંબંધિત વિભાગોને અનુરૂપ વિશિષ્ટ AI સોલ્યુશન્સ અને એપ્લિકેશનો વિકસાવવા માટે શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચે સહયોગને સક્ષમ બનાવવામાં આવશે.
5. સ્ટાર્ટઅપ ફેસેલિટેશન – ઇન્ક્યુબેશન, માર્ગદર્શન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્રેડિટ્સ અને સીડ ફંડિંગ દ્વારા ડીપટેક સ્ટાર્ટઅપ્સને સપોર્ટ કરાશે.
6. સલામત અને વિશ્વસનીય AI – ઓડિટ, ગાઈડલાઈન્સ અને AI રિસ્ક પ્રોટોકોલ દ્વારા સુરક્ષિત AI વ્યૂહરચના સુનિશ્ચિત કરવામાં આવશે.
આ એક્શન પ્લાનનું તબક્કાવાર અમલીકરણ રાજ્યકક્ષાની AI ડેટા રિપોઝીટરી શરૂ કરવા, AI ફેક્ટરીઓ સ્થાપિત કરવા અને વિભાગવાર પાયલોટ પ્રોજેક્ટ્સ શરૂ કરવા જેવી પાયાની ક્રિયાઓથી શરૂ થશે. એક્શન પ્લાનના પાંચ વર્ષના સમયગાળા દરમિયાન, આ પ્રયાસો વિભાગોમાં AI ઇન્ટીગ્રેશનને વધુ સુદ્રઢ કરશે અને વાઈબ્રન્ટ તથા ઇનોવેટિવ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપશે.
ગુજરાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગવર્નન્સમાં એ.આઈ.ના જે નવતર અભિગમો અપનાવ્યાં છે તેમાં ગિફ્ટ સિટીનું એ.આઈ. સેન્ટર ઑફ એક્સેલન્સ, એ.આઈ. ઇનોવેશન ચેલેન્જ, હાઈ પર્ફોમર્ન્સ જી.પી.યુ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ.આઈ. ટ્રેનિંગ અને વર્કશોપ તથા એલ.એલ.એમ.(લાર્જ લેન્ગ્વેજ મોડલ) માટે ઇન્ડીજિનસ એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટનો સમાવેશ થાય છે.
હવે, આ એક્શન પ્લાન ફોર ઇમ્પ્લીમેન્ટેશન ઓફ A.I. 2025-2030 ગુજરાતમાં ડિજિટલ ગવર્નન્સનું વધુ એક સીમાચિહ્ન બનશે અને એ.આઈ. સંચાલિત ફ્યુચર રેડી ઇકોનોમી માટે રાજ્યને સજ્જ કરીને વિકસિત ભારત @2047 માટે વિકસિત ગુજરાત @2047ના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.


























































































































































































































































































































































































































































































































































































































