રાજ્યમાં ૧૯ હજારથી વધુ યુવાઓને ડ્રોન, હેલ્થકેર, ઓટોમેશન, મેન્યુફેક્ચરીંગ, ઈલેક્ટ્રીકલ, આઈ.ટી. જેવા વિવિધ ક્ષેત્રે ટૂંકાગાળાના અભ્યાસક્રમો થકી કૌશલ્યબદ્ધ કરાયા
(જી.એન.એસ) તા. 14
ગાંધીનગર,
વૈશ્વિક માંગ અને જરૂરિયાત મુજબ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં યુવાનોને કૌશલ્યવાન બનાવી વિકાસ પથ પર આગળ વધારવા ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે. વૈશ્વિક સ્તરે ઝડપી ટેક્નોલોજીકલ પ્રગતિ, આર્થિક પરિવર્તન અને વૈશ્વિકરણના પરિણામે યુવાનોને શિક્ષણ તથા રોજગારીની તકોમાં ઉદ્ભવતા પડકારોનો સામનો કરવો પડી રહ્યો હતો. જે અંતર્ગત યુવાઓને જરૂરી કૌશલ્યોથી સજ્જ કરીને રોજગારી મળી રહે તે હેતુથી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા દર વર્ષે તા. ૧૫, જુલાઈના રોજ ‘વિશ્વ યુવા કૌશલ્ય દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. ચાલુ વર્ષે “યુવા સશક્તિકરણ માટે AI અને ડિજિટલ કૌશલ્યો”ની થીમ સાથે યુવાનોને ઝડપથી બદલાતા શ્રમ બજારમાં સ્પર્ધાત્મક બનાવવા માટે ‘વિશ્વ યુવા કૌશલ્ય દિવસ’ માનવવામાં આવી રહ્યો છે.
શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતના નેતૃત્વમાં રાજ્યમાં કૌશલ્ય ઇકોસિસ્ટમને વધુ સુદ્રઢ કરવાના હેતુસર અનેક યોજનાઓનો સુપેરે અમલ કરવામાં આવી રહ્યો છે. જે અન્વયે મુખ્યમંત્રી સ્કિલ ડેવલપમેન્ટ ઈનીશીએટીવ-MSDI અંતર્ગત રાજ્યના વિવિધ વિભાગોના સહયોગથી વર્ષ ૨૦૨૪-૨૫માં ૬.૫૦ લાખથી વધુ યુવાનોને કૌશલ્ય તાલીમમાં જોડવામાં આવ્યા છે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી કૌશલ્ય વિકાસ યોજના-MBKVY હેઠળ અત્યાર સુધીમાં ૧૯ હજારથી વધુ યુવાઓને ડ્રોન, હેલ્થકેર, ઓટોમેશન જેવા વિવિધ ક્ષેત્રે કૌશલ્યબદ્ધ કરવામાં આવ્યા છે. વધુમાં, મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના-MAY હેઠળ અત્યાર સુધીમાં ૯૧ હજાર કરતાં વધુ તાલીમાર્થીઓ જોડાયા છે.
રાજયમાં ૨૮૮ સરકારી આઈ.ટી.આઈ., ૧૦૧ ગ્રાન્ટ-ઈન એડ અને ૧૬૯ સેલ્ફ ફાઈનાન્સ એમ કુલ ૫૫૮ આઈ.ટી.આઈ. કાર્યરત છે. જેમાં ૩૦ મહિલા અને ૧૯ દિવ્યાંગો માટેની ખાસ આઈ.ટી.આઈ.નો સમાવેશ થાય છે. આ આઈ.ટી.આઈ.માં કુલ ૨.૧૬ લાખ કરતાં વધુ તાલીમાર્થીઓને કૌશલ્યવર્ધક તાલીમ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત કૌશલ્ય-ધ સ્કિલ યુનિવર્સિટી દ્વારા ૧૦૦થી વધુ ઉદ્યોગ આધારિત અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે, જે યુવાઓમાં સ્કિલ ડેવલપમેન્ટ માટે ખૂબ ઉપયોગી નીવડી રહ્યા છે.
રાજ્યના વધુમાં વધુ યુવાઓને Industry 4.0 ની જરૂરિયાત મુજબની સ્કિલ આધારિત તાલીમ મળી રહે તે માટે ‘મેગા આઈ.ટી.આઈ. યોજના’ અંતર્ગત ૬ થી ૮ જેટલા સેક્ટરોમાં ‘સેન્ટર ઓફ એક્સીલન્સ’ વિકસિત કરવામાં આવી રહ્યા છે. આઈ.ટી.આઈ.ના સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર્સને પણ એડવાન્સ તાલીમ મળી રહે તે માટે રાજ્યમાં Gujarat Apex Training Institute-GATI પ્રોજેક્ટ અંતર્ગત ૦૮ Institute for Training of Trainers-iToT સેન્ટર્સ ડેવલપ કરવાનું કાર્ય પ્રગતિમાં છે.
આ ઉપરાંત રાજ્યમાં અંતરિયાળ વિસ્તારોના યુવાઓ સુધી કૌશલ્ય વિકાસની તાલીમ પહોંચાડવા “સક્ષમ”-કેવીકે ૨.૦ યોજના, ઉદ્યોગોના કારીગરોના અપસ્કીલીંગ થાય તે હતુસર લોકલ ઈન્સ્ટીટ્યુટ ફોર વોકેશનલ એજ્યુકેશન-LIVE યોજના પણ કાર્યરત છે. આ LIVE યોજનામાં તાલીમાર્થીઓને લઘુત્તમ વેતનના ૫૦ ટકા જેટલું સ્ટાઈપેન્ડ પ્રોત્સાહન રૂપે DBTના માધ્યમથી ચૂકવવામાં આવે છે. વધુમાં, રાજ્યમાં ઉદ્યોગોને પોતાની જરૂરીયાત મુજબ કુશળ કારીગરો મળી રહે અને રાજ્યના યુવા વર્ગને ઉદ્યોગોની માંગ આધારીત કૌશલ્ય તાલીમ મળી રહે તે માટે “ઉદ્યોગો દ્વારા, ઉદ્યોગો ખાતે, ઉદ્યોગો માટે”ના કોન્સેપ્ટ આધારિત ‘પ્રોજેક્ટ સંકલ્પ યોજના’ અમલીકૃત છે. વધુમાં દેશભરમાં ધોરણ ૧૦ અને ૧૨ના સ્કૂલ ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓને કૌશલ્ય તાલીમ આપી આત્મનિર્ભર બનાવવાના હેતુથી પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના-PMKVY અમલી છે. આમ વર્ષ ૨૦૨૪-૨૫ માં રાજ્યના ૧૫૦૦૦ જેટલા યુવાનોને આવી વિવિધ પ્રકારની ટૂંકા ગાળાની કૌશલ્ય તાલીમમાં જોડવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, દેશના યુવાનોને વધુ રોજગારક્ષમ અને ઉત્પાદક બનાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા ‘સ્કિલ ઈન્ડિયા મિશન’ની શરૂઆત પણ તા. ૧૫, જુલાઇ ૨૦૧૫ના રોજ કરવામાં આવી હતી. વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી શરૂ કરવામાં આવેલા યુવાઓ માટે આશીર્વાદરૂપ એવા ‘સ્કિલ ઈન્ડિયા, ‘મેક ઈન ઈન્ડિયા’ અને ‘વિકસિત ભારત@૨૦૪૭’ના મિશનને સાકાર કરવાની દિશામાં ગુજરાત પણ સહભાગી બનીને સતત નવા આયામો સર કરી રહ્યું છે.



























































































































































































































































































































































































































































































































































































































