(જી.એન.એસ) તા. ૩૦

હિંમતનગર,

ગુજરાત એસીબીના અધિકારીની ટીમે એક ડીકૉય ગોઠવીને સાબરકાંઠાની હિંમતનગર મામલતદાર કચેરી ખાતે રૂપિયા 30 હજારની લાંચ સ્વીકારનાર નાયબ મામલતદારને રંગે હાથ પકડી પાડ્યો છે.

રાજ્યના અન્ય જિલ્લા અને તાલુકાઓની જેમ સાબરકાંઠાના હિંમતનગર મામલતદાર કચેરી માં ભ્રષ્ટાચારની દુકાન ધમધમે છે. આવી માહિતી ગુજરાત એસીબીને મળતા અધિકારીઓએ આ મામલે તપાસ કરી હતી. ખાણ-ખનિજ વિભાગમાંથી ખનન કરવાની મંજૂરી મળ્યા બાદ સ્થાનિક સર્કલ ઑફિસર જગ્યાનો નકશો બનાવીને અભિપ્રાય આપે છે. આ પ્રક્રિયા બાદ અરજદાર જે-તે સ્થળેથી ખનન કરી શકે છે. આવા અરજદારો પાસેથી હકારાત્મક અભિપ્રાય આપવા બદલ ગાંભોઈ સર્કલ ઑફિસર જિતેન્દ્ર રમેશચંદ્ર પટેલ (નાયબ મામલતદાર) 30 હજારથી 50 હજાર રૂપિયા જેટલી લાંચ માગે છે. આ હક્કિત આધારે મહેસાણા એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ એસ. ડી. ચાવડા એ એક ડિકૉય ગોઠવી હતી. ડિકૉય દરમિયાન લાંચિયો નાયબ મામલતદાર 30 હજાર રૂપિયા લેતા રંગે હાથ ઝડપાઈ ગયો છે.