(જી.એન.એસ) તા. ૨૬
ગાંધીનગર,
ગાંધીનગરના રાયસણથી રાંદેસણના સર્વિસ રોડ ઉપર શુક્રવારે સવારે હિટ એન્ડ રન કેસના આરોપી હિતેશ પટેલને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતાં કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
શું હતો સમગ્ર મામલો
શુક્રવારે સવારે ગાંધીનગરના રાંદેસણ પાસે એક પૂરપાટ ઝડપે દોડતી કારે ચાર લોકોને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં એક મહિલા સહિત 2 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, મૃતકની ઓળખ હંસાબેન રોહિતકુમાર વાઘેલા (ઉં.વ.56) અને નીતિનભાઈ પ્રતાપભાઈ વસા (ઉં.વ.63) તરીકે થઇ હતી. જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ઉશ્કેરાયેલા ટોળાએ કારચાલકને મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી કારચાલકને ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.
આ કેસમાં હિતેશ પટેલ પર “રફતારના રાક્ષસ” તરીકે બેફામ ડ્રાઈવિંગ કરીને એક વ્યક્તિનો ભોગ લેવાનો આરોપ છે. આ હિટ એન્ડ રન કેસમાં પોલીસે અત્યાર સુધીમાં કેટલાક મહત્વના પુરાવાઓ પણ એકત્ર કર્યા છે. રિમાન્ડ દરમિયાન પોલીસ હિતેશ પાસેથી ઘટના અંગેની વધુ માહિતી, તે સમયે તેની સાથે કોણ હતું અને અકસ્માત બાદ તે ક્યાં ગયો હતો જેવી બાબતો અંગે પૂછપરછ કરશે. આ બાબતે તપાસ સમિતિ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.
CCTV ફૂટેજ પણ કબજે કર્યા
વધુમાં પોલીસે અકસ્માત થયો તે વિસ્તારના CCTV ફૂટેજ પણ કબજે કર્યા છે જેમાંથી દુર્ઘટના કેવી રીતે બની તે સ્પષ્ટ થઇ શકે છે. આ કેસમાં પોલીસની સઘન તપાસ ચાલી રહી છે. આ પ્રકારના હિટ એન્ડ રન કેસ સમાજમાં ચિંતાનો વિષય બન્યા છે. ત્યારે પોલીસની અ સક્રિયતા આવકાર્ય છે. આશા રાખીએ કે, પોલીસ આ કેસની સઘન તપાસ કરીને ગુનેગારને સખત સજા અપાવશે, જેથી ભવિષ્યમાં આવા બેફામ ડ્રાઈવિંગ કરનારાઓને દાખલો બેસે.

















































































































































































































