રેલવે વિભાગ, ટપાલ વિભાગ અને મહેસૂલ વિભાગ (સીબીઆઈસી)ના 63 નવા ઉમેદવારોને નિમણૂંકપત્ર આપવામાં આવ્યા

(જી.એન.એસ) તા. 12

વડોદરા,

દેશભરમાં ભારતીય રેલવે દ્વારા 47 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં 51,000 કરતા વધુ નવ નિયુક્ત યુવાઓને  રેલવે, ગૃહ, ઉચ્ચ શિક્ષણ, પોસ્ટ, વીજળી, શ્રમ સહિત લગભગ 14 મંત્રાલયોમાં નવા પસંદ કરાયેલા કર્મચારીઓને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યુ હતું. જેમાં વડોદરા ખાતે  કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી  સી. આર. પાટિલની ઉપસ્થિતિમાં યુવાઓને નિમણૂંક પત્રો આપવામાં આવ્યા હતા.

પ્રધામંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સવારે  વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 16માં રોજગાર મેળાનો પ્રારંભ કરાવ્યો હતો.વડોદરા સ્થિત પશ્ચિમ રેલવેની કચેરીના સભાગૃહમમાં યોજાયેલ રોજગાર મેળમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટિલ, વડોદરાના સાંસદ, ડૉ. હેમાંગ  જોશી, આણંદના સાંસદ મિતેષ પટેલ, છોટાઉદેપુર સાંસદ  જસુભાઈ રાઠવા, વડોદરાના મેયર પિન્કીબેન સોની,  ડી.આર.એમ. રાજુ  ભડકે, વડોદરા મ્યુ. કમિશ્નર,અરુણ મહેશ બાબુ સહિતના મહાનુભાવો સહભાગી થયા હતા.તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રોજગાર મેળા  ઉપલક્ષમાં કરેલ ઉદબોધનનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટિલે પ્રાસંગિક ઉદબોધનમાં પ્રધાનમંત્રી રોજગાર સર્જનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહયા હોવાનું જણાવ્યુ હતું.  વધુમાં તેમણે કહ્યું હતું કે, રોજગાર મેળા યુવાનોને સશક્ત બનાવવામાં અને રાષ્ટ્ર નિર્માણમાં તેમની ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. દેશભરમાં રોજગાર મેળાઓ દ્વારા અત્યાર સુધીમાં 10 લાખથી વધુ નિમણૂક પત્રો જારી કરવામાં આવ્યા છે. જન સુખાકારી માટે અનેકવિધ યોજનાઓ પ્રધાનમંત્રી દ્વારા અમલમાં લાવવામાં આવી છે. આરોગ્ય માટે આયુષ્યમાન કાર્ડમાં 10 લાખની સહાય, નલ સે જલ, યુવાઓ માટે સ્ટાર્ટ અપ,  ખેડૂતોને સીધી તેમના ખાતામાં સહાય, મહિલાઓ માટે ડ્રોન દીદી, લખપતિ દીદી, લાયકાત ધરાવતા યુવા ઉમેદવારોને પારદર્શક રીતે નોકરીની તક મળે એ સહિતની વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે.  તેમણે વિકસિત ભારત @ 2047ની કલ્પનાને સાકાર કરવા યુવાનોએ તેમનું યોગદાન આપવા જણાવ્યું હતું. આજે નોકરી મેળવતા યુવાનોને શુભેચ્છા આપી હતી. તેમજ ખંતથી તેમને મળેલી જવાબદારી નિભાવીને  રાષ્ટ્ર નિર્માણમાં અને સમાજ ઉપયોગી, લોકોપયોગી કાર્યોમાં જોડાઈ જવા પણ તેમણે જણાવ્યું હતું.