(જી.એન.એસ) તા. 21
અમદાવાદ,
હવામાન વિભાગ દ્વારા આગામી 27 જુલાઈ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 4 દિવસ એટલે કે 25 જુલાઈ સુધી રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેશે. જ્યારે 26-27 જુલાઈના રોજ 15 થી વધુ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. ચાલો જાણીએ ક્યાં-કેવો રહેશે વરસાદી માહોલ.
રાજ્યના મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લા ઉપરાંત કચ્છ જિલ્લાના મોટાભાગના સ્થળોએ તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના અમૂક સ્થળો ખાતે આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 22 થી 25 જુલાઈ સુધીમાં ગુજરાતભરમાં મેઘગર્જના અને 30-40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
26 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


























































































































































































































































































































































































































































































































































































































