અમદાવાદ રાજકોટ હાઇવે પર અમદાવાદથી રોહિકા વચ્ચે માર્ગ મરામત અને ડ્રેનેજ ક્લીનિંગ કાર્ય પૂર્ણ કરાયું
(જી.એન.એસ) તા. 12
ગાંધીનગર,
અમદાવાદ શહેર-જિલ્લામાંથી પસાર થઈ રહેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર હાલમાં માર્ગ મરામત અને રોડ સાઈડ ડ્રેનેજ ક્લીનીંગ સહિતના કાર્યો ઝડપથી પૂર્ણ કરવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ અમદાવાદ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.
નેશનલ હાઈવે(NH) 47 પર અમદાવાદ-રાજકોટ હાઇવે પરના નવાપુરાથી રોહિકા વચ્ચે વરસાદના લીધે ક્ષતિ પામેલા રસ્તાઓ પર માર્ગ મરામત અને ડ્રેનેજ ક્લીનિંગ કાર્ય પૂર્ણ કરાયું હતું. રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ અમદાવાદની ટીમો દ્વારા પોટહોલ રિપેર સહિત ડ્રેનેજ ક્લીનિંગની કામગીરી તાકીદે પૂર્ણ કરવામાં આવી હતી.
અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે NH47 ઉપર ભોગાવો નદી ઉપર ચાલી રહેલ નવીન પુલને વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવા પણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ દ્વારા કામગીરી ઝડપી બનાવવામાં આવી છે.
એ જ રીતે, NH–147 પર ચિલોડા–ગાંધીનગર–સરખેજ હાઇવે પર આવેલ ખોડિયાર રેલ્વે ઓવરબ્રિજના માર્ગ પર કપચીની ઉપરની પરત ઢળી જવાને કારણે ધૂળ ઉડવાના લીધે વાહનચાલકોને વિઝનમાં અડચણ ઉભી થઇ રહી હતી. વાહનચાલકોની સુરક્ષા ધ્યાને લઈને ઓવરબ્રિજ પર તાકીદે બ્રુમર અને મજૂરો દ્વારા સફાઈનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.





























































































































































































































































































































































































































































































































































































































