ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૪.૯૦ જળસંગ્રહ
(જી.એન.એસ) તા. 18
રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની સિઝનમાં વરસી રહેલા વરસાદના પરિણામે અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ ૫૧.૧૬ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ રીઝીયનમાં સૌથી વધુ ૫૮.૪૬ ટકા વરસાદ વરસ્યો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં ૫૫.૨૨ ટકા, પૂર્વ મધ્યમાં ૪૯.૩૯ ટકા, સૌરાષ્ટ્રમાં ૪૯.૩૬ ટકા, અને ઉત્તર ગુજરાતમાં ૪૮.૦૨ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણવાયું છે.
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલ ૫૪.૯૦ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં હાલ પાણીનો સંગ્રહ ૧,૮૩,૪૦૪ એમ.સી.એફ.ટી. નોંધાયો છે. તેમજ રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૩,૩૨,૩૮૦ એમ.સી.એફ.ટી. પાણી સંગ્રહાયું છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના ૫૯.૫૫ ટકા જેટલું છે.
રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરીણામે ૨૦૬ ડેમો પૈકી કુલ ૨૬ ડેમ સંપૂર્ણ ભરાયા છે. આ ઉપરાંત ૪૧ ડેમને હાઈ એલર્ટ, ૨૧ ડેમને એલર્ટ તથા ૨૩ ડેમને વોર્નીંગ આપવામાં આવી છે. રાજ્યમાં કુલ ૨૦૬ ડેમો પૈકી ૬૦ ડેમ ૭૦ ટકાથી ૧૦૦ ટકા, ૩૭ ડેમ ૫૦ ટકાથી ૭૦ ટકા તથા ૪૩ ડેમ ૨૫ ટકાથી ૫૦ ટકા જેટલા ભરાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં દાહોદ, પંચમહાલ, નર્મદા અને સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે.
ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. ૧૮ જુલાઈ ૨૦૨૫ની સ્થિતિએ ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં કુલ ૫૦.૨૭ લાખ હેક્ટર વિસ્તારમાં એટલે કે, ૫૮.૭૪ ટકા વિસ્તારમાં ખરીફ –ચોમાસું પાકનું વાવેતર પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.જેમાં સૌથી વધુ ૧૮.૫૦ લાખ હેક્ટરમાં મગફળીના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં બીજા ક્રમે ૧૮.૫૬ લાખ હેકટર વિસ્તારમાં કપાસના પાકનું વાવેતર કરાયું છે.
ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં સ્થાનિક વહીવટી તંત્ર, એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા અત્યાર સુધીમાં ૧૦ જિલ્લામાંથી ૪,૨૭૮ નાગરિકોનું સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે ૬૮૯ નાગરીકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.


























































































































































































































































































































































































































































































































































































































