પ્લાસ્ટિકના ન્યૂનતમ ઉપયોગ માટેના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને સચિવાલય કેમ્પસ સાકાર કરશે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઇકો ફ્રેન્ડલી રીયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસેલિટીનો પ્રારંભ કરાવ્યો
(જી.એન.એસ) તા. 2
ગાંધીનગર,
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલય કેમ્પસમાં ઇકો ફ્રેન્ડલી રિયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસીલીટીનો પ્રારંભ કરાવ્યો હતો. સચિવાલય અને વિધાનસભા કેમ્પસમાં હવે આ ફેસિલિટી અંતર્ગત પ્લાસ્ટિક બોટલને બદલે કાચની બોટલમાં “સખી નીર”ના બ્રાન્ડ નેમથી પીવાનું પાણી આપવામાં આવશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્લાસ્ટિકના ઉપયોગને ન્યૂનતમ કરવાના આપેલા વિઝનને સાકાર કરતાં સચિવાલય કેમ્પસમાં “સખી નીર”નો આ પ્લાન્ટ ‘માં’ નર્મદા એકતા મહિલા મંડળ દ્વારા સંચાલિત થયો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વન-પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ મંત્રી શ્રી મુળુભાઈ બેરા, રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ અને શ્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં આ પ્લાન્ટનો નવા સચિવાલય બ્લોક નંબર-૧૩ના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્લાન્ટ કાર્યરત થતાં સચિવાલય કેમ્પસમાં દરરોજ ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિક બોટલનો વપરાશ બંધ કરીને હવે નજીવા દરે કાચની બોટલમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવવાને કારણે પ્લાસ્ટિક વેસ્ટમાં પણ ઘટાડો થશે.
માં નર્મદા એકતા મહિલા મંડળની બહેનો દ્વારા સંચાલિત આ પર્યાવરણલક્ષી પ્રકલ્પમાં જે ટેકનોલોજી અપનાવવામાં આવી છે તે પણ વડોદરાના યુવા સ્ટાર્ટઅપ પ્રતીક પટેલ અને ટીમે વિકસાવેલી છે.
રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સાવલી ટેકનોલોજી એન્ડ બિઝનેસ ઈન્ક્યુબેટર ખાતે યુવા સ્ટાર્ટઅપ પ્રતીક પટેલ દ્વારા આ ટેકનોલોજી વિકસાવવામાં આવી છે અને તેમણે બે પેટન્ટ પણ સાયન્સ ટેકનોલોજી વિભાગની મદદથી મેળવ્યા છે.
આ પ્રકારનો પાયલોટ પ્રોકેક્ટ તાપી જિલ્લાના પદમડુંગરી ઇકો ટુરીઝમ સાઈટ ખાતે વન વિભાગ અને સખીમંડળની બહેનો દ્વારા ‘અંબિકા નીર’ બ્રાન્ડ નેમ સાથે ત્રણ વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલો છે. આ પ્રોજેક્ટ અન્વયે પ્લાસ્ટિક બોટલના બદલે કાચની બોટલમાં એ જ કિંમતમાં પાણી આપવામાં આવે છે.
એટલું જ નહીં, અન્ય એક મોટો પાયલોટ પ્રોજેક્ટ સુપ્રસિદ્ધ શ્રી તિરુપતિના તિરુમાલા ખાતે પણ કરવામાં આવ્યો છે અને પ્લાસ્ટિક બોટલના ભાવનો જ કાચની બોટલમાં પીવાનું પાણી આપવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે.
હવે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં નેટ ઝિરો સંકલ્પને પાર પાડવાની પ્રતિબદ્ધતા સાથે સચિવાલય સંકુલમાં પણ કાચની બોટલમાં પાણી માટેનો આ “સખી નીર” પ્લાન્ટ શરૂ થયો છે.
આ ઉપરાંત કાચની બોટલના પરિવહન માટે જે ઈ-રિક્ષાનો ઉપયોગ થવાનો છે તેને પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ફ્લેગ ઓફ કરાવ્યું હતું.
આ ઈ-રીક્ષા પણ રાજ્યના અન્ય એક યુવા સ્ટાર્ટઅપ દર્પણ કડુએ સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ અને સૃજન મેળવીને સાવલી ટેકનોલોજી એન્ડ બિઝનેસ ઇન્ક્યુબેટર ખાતે આત્મનિર્ભર ગુજરાત ફેલોશીપ અંતર્ગત નાણાંકીય સહાય અને માર્ગદર્શનમાં વિકસાવેલી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ “સખી નીર” પ્લાન્ટ કાર્યરત કરાવતા સંચાલક સખી મંડળની બહેનો અને ટેકનોલોજી ડેવલપર સ્ટાર્ટઅપ્સ સાથે સંવાદ કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
આ અવસરે વન પર્યાવરણ અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, સાયન્સ ટેકનોલોજી અગ્ર સચિવ શ્રીમતી મોના ખંધાર, અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ શ્રી એ.કે. સિંઘ, શ્રી એસ.કે. શ્રીવાસ્તવ તથા વન પર્યાવરણ અને ક્લાયમેટ ચેન્જ વિભાગના અધિકારી-કર્મીઓ સખીમંડળની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.





























































































































































































































































































































































































































































































































































































































