(જી.એન.એસ) તા. 1
ગાંધીનગર,
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા જિલ્લા કક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા – ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અમદાવાદ દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા : ૨૦૨૫- ૨૬ માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૨૮ જુલાઇ ૨૦૨૫ રાખવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રાચીન ગરબા તથા અર્વાચીન ગરબા સ્પર્ધામાં ૧૪ થી ૩૫ વર્ષના બહેનો ભાગ લઈ શકશે. જ્યારે રાસની સ્પર્ધામાં ભાગ લેનાર બહેનો તથા ભાઈઓની વય મર્યાદા ૧૪ થી ૪૦ વર્ષ સુધીની રહેશે. પ્રાચીન, અર્વાચીન ગરબા તેમજ રાસની રજુઆતનો સમય ૦૬ થી ૧૦ મિનિટનો રહેશે. પ્રાચીન, અર્વાચીન ગરબા તેમજ રાસમાં ભાગ લેનાર વ્યક્તિઓની એક વૃંદમાં ૧૨ થી ૧૬ સંખ્યા રાખી શકશે. સાથે સાજિંદા તરીકે ચાર વાદ્યકારો રાખી શકાશે.
આ સ્પર્ધામાં ભાગ લેનાર ઈચ્છુક ઉમેદવારોએ નિયત નમૂનાનું ફોર્મ આધારકાર્ડની નકલ સાથે ૨૮ જુલાઇ ૨૦૨૫ સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અમદાવાદ – રવિશંકર રાવળ કલા ભવન ખાતે રૂબરૂ જમા કરાવવાનું રહેશે. સમયમર્યાદા પછી આવનાર ફોર્મ તથા અધૂરી વિગતવાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહીં. તેમજ વધુ માહિતી માટે કચેરી ખાતે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે, એમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.



























































































































































































































































































































































































































































































































































































































