અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 2 વર્ષના બાળકની શ્વાસનળીમાંથી સોપારીનો ટુકડો બહાર કાઢવામાં આવ્યો
સોપારી ટુકડો જ નહીં મોતના મુખમાંથી બહાર કાઢ્યો છે :-ડૉ. રાકેશ જોષી, પીડીયાટ્રીક સર્જરી વિભાગ ના વડા અને તબીબી અધિક્ષક, સિવિલ હોસ્પિટલ અમદાવાદ
(જી.એન.એસ) તા. ૨૦
અમદાવાદ,
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર માતા પિતા માટે ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
કલોલ ના બે વર્ષ ના આર્યનની શ્વાસ નળીમાંથી સોપારી નો ટુકડો કાઢી સિવિલ ના તબીબોએ જીવ બચાવ્યો છે.
સમગ્ર વિગત એવી છે કે ,કલોલના શૈલેષભાઇ દંતાણી નો 2 વર્ષનો દીકરો આર્યન પેટના ટીબીથી પીડાય છે અને પથારીવશ છે. 6 મહિના પહેલા તેની માતાનું અવસાન થયુ હતું.
લગભગ 3 દિવસ પહેલા તેને સતત ઉધરસ આવવાનુ શરુ થયુ અને ધીમે ધીમે તેની તબીયત વધુ ખરાબ થતી ગઈ. તેની બગડતી સ્થિતિથી ગભરાઈને, તેના કાકા, કાકી અને દાદી શરૂઆતમાં સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા.
જ્યારે કોઈ નોંધપાત્ર સુધારો થયો નહીં, ત્યારે તેને બાળરોગ નિષ્ણાત પાસે રીફર કરવામાં આવ્યો, જેમણે છાતીનો એક્સ-રે કરાવવાની ભલામણ કરી. છાતીના એક્સ-રે માં શ્વસનમાર્ગમાં કોઇ વસ્તુ ફસાઈ ગઇ હોવાનુ માલુમ પડ્યુ.
આર્યનની ગંભીર પરીસ્થિતિ અને પ્રાઇવેટ હોસ્પિટલની સારવાર નો ખર્ચ પરવડે તેમ ન હોવાથી તેને પરીવારજનો પ્રથમ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ ગયા જ્યાંથી ૧૬ જુલાઈ ૨૦૨૫ ના રોજ, આર્યનને સવારે ૧૧:૩૦ વાગ્યે એમ્બ્યુલન્સમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પીડિયાટ્રિક સર્જરી આઈસીયુમાં લાવવામાં આવ્યો હતો. ડોકટરો ને આર્યનને તપાસતા રુમએર ઉપર તેનુ ઓક્સીજન લેવલ ૮0 ટકા અને શ્વાસ લેવામાં તકલીફ હતી અને તેની શ્વાસનળીમાં કોઇક વસ્તુ ફસાયેલી હોવાની શંકા થઇ.
ફરજ પરના પીડિયાટ્રિક સિનિયર રેસિડેન્ટ દ્વારા તાત્કાલિક ઇન્ટ્યુબેશન કરવામાં આવ્યું અને વેન્ટિલેટરી સપોર્ટ પર આર્યનને રાખવામાં આવ્યો હતો.
તાત્કાલિક સવારે ૧૧:૫૦ વાગ્યે તેને બ્રોન્કોસ્કોપી માટે લઈ જવામાં આવ્યો હતો. ડો. રાકેશ જોશી (એચઓડી પીડિયાટ્રિક સર્જરી વિભાગ) દ્વારા ડો. શકુંતલા (પ્રોફેસર એનેસ્થેસિયા) તથા Dr. ભરત મહેશ્વરી ના સહયોગથી માત્ર ૧૫ મિનિટમાં જ તેની શ્વાસનળી માંથી સોપારી નો ટુકડો બહાર કાઢવામાં આવ્યો હતો. આર્યન ની સર્જરી ખુબ જ ઝડપથી તેમજ ચોકસાઈ સાથે કરવામાં આવી હતી જેથી તેની ઓપરેશન પછીની રિકવરી ખુબ જ સરળ રહી હતી અને તેની તકલીફ માં તાત્કાલિક અને નોંધપાત્ર સુધારો થવા માંડ્યો હતો. ત્યારબાદ તેને આગળ ની દેખરેખ અને સારવાર માટે પીડીયાટ્રીક આઇસીયુ માં ખસેડવામાં આવ્યો હતો. ઓપરેશન ના ૨૪ કલાકની અંદર તેને ઓક્સીજન સપોર્ટ પણ દુર કરી બીજા દિવસ થી મોઢે થી ખોરાક આપવાનુ પણ ચાલુ કરવામાં આવ્યુ.
પીડીયાટ્રીક સર્જન દ્વારા સમયસર નિદાન અને નિષ્ણાત સારવાર નો આ કેસ એક ઉતમ ઉદાહરણ છે અને સિવિલ હોસ્પિટલ અમદાવાદ જેવી સરકારી હોસ્પિટલ માં નિશુલ્ક મળતી આવી ઉતમ સારવાર એ છેવાડા ના ગરીબ દર્દીઓ માટે જીવનદોરી સમાન છે તેમ ડો. જોષી એ વધુ માં જણાવ્યુ હતું.



























































































































































































































































































































































































































































































































































































































