મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના એસ્પિરેશનલ જિલ્લા-તાલુકાઓને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મળી 13 મેડલ્સ એનાયત કર્યા

રાજ્યના બધા જ જિલ્લા-તાલુકાઓનું સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહમાં સન્માન થાય તેવા ક્વોલિટી વર્ક અને 100 ટકા લાભાર્થી લક્ષ્યાંક સિદ્ધ કરવા મુખ્યમંત્રીશ્રીનું પ્રેરક આહવાન

(જી.એન.એસ) તા.29

ગાંધીનગર,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એસ્પિરેશનલ જિલ્લા અને એસ્પિરેશનલ તાલુકા(બ્લોક)માં સર્વાંગી વિકાસ કાર્યક્રમોમાં ઉત્કૃષ્ટતા માટેના સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહમાં આહવાન કર્યું કે, રાજ્યના બધા જિલ્લા-તાલુકાઓમાં આવા સંપૂર્ણતા અભિયાન સમારોહ થાય તેવા ગુણવત્તાયુક્ત કામો અને યોજનાઓમાં 100 ટકા લાભાર્થી કવરેજ સુનિશ્ચિત કરવું છે.

આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં સેમિકન્ડક્ટરથી લઈને સફાઈ જેવા દરેક ક્ષેત્રોને મહત્વ અપાય છે. જે વ્યવસ્થાઓ ટેકનોલોજીના વિનિયોગથી વિકસી છે તેને કારણે હવે લોકોની અપેક્ષા અને જાગૃતિ વધ્યાં છે. લોકોને સારી સુવિધાઓની ટેવ પડી ગઈ છે તે જળવાઈ રહે તેવી તેમની અપેક્ષાને આપણે સાકાર કરવી પડશે એમ તેમણે જિલ્લા વહીવટીતંત્રના વડાઓ અને જિલ્લા વિકાસ અધિકારીઓને પ્રેરણા આપતા જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ નીતિ આયોગ દ્વારા જુલાઈથી સપ્ટેમ્બર-2024 દરમિયાન યોજાયેલા દેશવ્યાપી સંપૂર્ણતા અભિયાનમાં રાજ્યના જે જિલ્લા અને તાલુકાઓએ સંપૂર્ણતા હાંસલ કરવાની સિદ્ધિઓ મેળવી છે તેવા જિલ્લા તાલુકાઓને એવોર્ડ્સ અને પ્રમાણપત્રથી ગાંધીનગરના મહાત્મા મંદિરમાં સન્માનિત કર્યા હતા.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, નીતિ આયોગના અધિક સચિવ શ્રી રોહિતકુમાર, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસ આ અવસરે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રી અને વિધાનસભા અધ્યક્ષશ્રીએ નીતિ આયોગ દ્વારા નિર્ધારિત તમામ છ ઇંડિકેટર્સમાં સેચ્યુરેશન પ્રાપ્ત કરનારા જિલ્લાઓને ગોલ્ડ, પાંચમાં સેચ્યુરેશન પ્રાપ્ત કરનારા જિલ્લાને સિલ્વર અને ચારમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરનારાને બ્રોન્ઝ એમ કુલ 13 મેડલ સંબંધિત જિલ્લાના તત્કાલિન કલેક્ટરોને એનાયત કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મક્કમ સંકલ્પ – “છેવાડાનો નાગરિક રાષ્ટ્ર વિકાસયાત્રાનો સક્રિય ભાગીદાર બને” તે પરિપૂર્ણ કરવા અંગે ગુજરાતે ‘એસ્પીરેશનલ બ્લોક પ્રોગ્રામ’ અંતર્ગત નિયત કરેલાં વિકાસના વિવિધ માપદંડોના નિર્ધારિત લક્ષ્યાંકોમાં નિયત સમયમાં “સંપૂર્ણતા” મેળવીને જે વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરી છે તે માટે તેમને પ્રસંશા પ્રમાણપત્રો અર્પણ કરીને અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે જણાવ્યું કે યુવા અધિકારીઓની શક્તિ અને લોકહિત કાર્યો માટેની ધગશ જોતાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણનો ધ્યેય પાર પડશે જ. એટલું જ નહિ, જે કંઈ કામ થશે તે પૂરેપૂરી ગુણવત્તા સાથે થશે.

મુખ્યમંત્રીશ્રીએ એમ પણ કહ્યું કે, વિકસિત ગુજરાત તરફની ગતિને વધુ તેજ બનાવવા ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન-GRITની સ્થાપના કરી છે. વિકાસના કયા ક્ષેત્રોમાં હજુ વધુ ગતિ લાવવાની જરૂર છે. કયા ક્ષેત્રમાં કેટલું કામ થયું છે અને કેટલું કામ કરવાનું છે તેનું સંપૂર્ણ મોનિટરીંગ અને દિશાદર્શન GRIT કરે છે.

“આપણે વ્યવસ્થાઓને સુદ્રઢ કરીને નીચે સુધી પહોંચાડીને નાનામાં નાના માનવીને મુખ્ય પ્રવાહમાં લાવવો છે. આ માટે ઘણું કામ થયું છે તેને હજુ વેગવંતુ બનાવવું છે” તેમ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું.

તેમણે ઉમેર્યું કે યોજનાઓના આયોજન કે અમલમાં નાણાંની પણ કોઈ તંગી નથી તેવું સંગીન ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ રાજ્યમાં છે ત્યારે ગુણવત્તાસભર કામો થાય અને યોજનાઓના 100 ટકા લાભ જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી પહોંચે તેવી જિલ્લાઓના વહીવટી વડાઓ પાસે અપેક્ષા છે. મુખ્યમંત્રીશ્રીએ વિકસિત ભારત @2047 માટે ગુજરાત લીડ લેવા સજ્જ છે એવો વિશ્વાસ પણ દર્શાવ્યો હતો.

કેન્દ્ર સરકારના નિતી આયોગ દ્વારા દેશના છેવાડાના નાગરિકોના જીવનધોરણમાં સુધારો કરવાના, સામાજીક-આર્થિક રીતે પડકારજનક જિલ્લાઓમાં માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરવવા તેમજ તેઓના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરી સામાજીક- આર્થિક ઝડપી પરિવર્તન લાવવાના નિર્ધાર સાથે ૨૦૧૮માં સમગ્ર દેશમાં ‘એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ’ શરૂ કરવામાં આવ્યો છે. તેમાં ગુજરાતના દાહોદ અને નર્મદા એમ બે જિલ્લાઓનો સમાવેશ કરાયો છે.

‘એસ્પીરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ’ માં સમગ્ર ભારત દેશમાં એકંદરે મળેલ સારા પરિણામોને ધ્યાને લઇને, આ પ્રોગ્રામને વધુ વિસ્તૃત કરતા તાલુકા કક્ષા સુધી લઇ જવાના મક્કમ નિર્ધાર અને વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી ૨૦૨૩થી ‘એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ’ શરૂ કરવામાં આવ્યો છે.

આ બંને કાર્યક્રમોમાં સંપૂર્ણતા હાંસલ કરવાને વેગ મળે તેવા ઉદ્દેશ્યથી નીતિ આયોગ દ્વારા 4 જુલાઈ 2024થી 30 સપ્ટેમ્બર 2024 સુધી “સંપૂર્ણતા અભિયાન” શરૂ કરવામાં આવ્યું હતું.

આ અભિયાન અંતર્ગત જે છ(૬) ઇન્ડિકેટર્સ નક્કી કરવામાં આવ્યા હતા તેમાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં પ્રસૂતિ પહેલાની સંભાળ (ANC) માટે નોંધાયેલી સગર્ભા સ્ત્રીઓની ટકાવારી, ICDS કાર્યક્રમ હેઠળ નિયમિતપણે પૂરક પોષણ લેતી સગર્ભા સ્ત્રીઓની ટકાવારી, માટીના નમૂના સંગ્રહ લક્ષ્યાંક સામે જનરેટ કરાયેલા સોઇલ હેલ્થ કાર્ડની ટકાવારી, બ્લોકમાં લક્ષિત વસ્તી સામે ડાયાબિટીસ માટે તપાસ કરાયેલ વ્યક્તિની ટકાવારી, બ્લોકમાં લક્ષિત વસ્તી સામે હાયપરટેન્શન માટે તપાસ કરાયેલ વ્યક્તિની ટકાવારી તથા બ્લોકમાં કુલ SHG સામે રિવોલ્ડિંગ ફંડ મેળવનાર SHGની ટકાવારી પર ફોકસ કરવામાં આવ્યું હતું.

તદઅનુસાર, એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ અંતર્ગત દાહોદ જિલ્લાએ તમામ છ ઈન્ડીકેટર્સમાં સંપૂર્ણતા હાંસલ કરી છે તથા નર્મદા જિલ્લાએ પાંચ ઈન્ડીકેટર્સમાં સંપૂર્ણતા હાંસલ કરી છે.

એસ્પિરેશનલ બ્લોક અંતર્ગત લખપત, રાપર, કુકરમુંડા, નિઝર, થરાદ, ઘોઘંબા તથા સાયલા એમ ૭ (સાત) તાલુકાએ તમામ છ(૬) ઈન્ડીકેટર્સમાં સંપૂર્ણતા હાંસલ કરી છે, તે માટે ગોલ્ડ એવોર્ડ, તથા ગરબાડા, નાંદોદ તથા સાંતલપુર તાલુકાએ પ(પાંચ) ઈન્ડીકેટર્સમાં સંપૂર્ણતા હાંસલ કરવા બદલ સિલ્વર એવોર્ડ તથા ડાંગના સુબીર તાલુકાને ૪(ચાર) ઈન્ડીકેટર્સમાં સંપૂર્ણતા હાંસલ કરવા માટે કાંસ્ય એવોર્ડ પ્રાપ્ત થયા છે.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ૧૦ જિલ્લામાં ‘આકાંક્ષાહાટ’નું ઈ-લોકાર્પણ કર્યુ હતું. આ ‘આકાંક્ષા હાટ’ થકી ‘વોકલ ફોર લોકલ’ને વધુ વેગવાન બનાવવા જિલ્લાની સ્થાનિક અને વિશેષ બનાવટોને પ્રદર્શિત કરાશે.

વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ સૌને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, વિકાસના ફળ પહોંચાડવામાં અજાણતા ક્યાંય ત્રુટિ રહી ગઈ હોય તેવા તાલુકા-જિલ્લાના સર્વગ્રાહી વિકાસ પર વિશેષ ધ્યાન આપવું તેવો મુખ્યમંત્રીશ્રીનો હરહંમેશ અભિગમ રહ્યો છે. ગુજરાતના આવા એસ્પિરેશનલ જિલ્લા અને તાલુકાના વિકાસ પર રાજ્ય સરકાર ઉપરાંત નીતિ આયોગ દ્વારા પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જેના પરિણામ સ્વરૂપે આજે ગુજરાતના આવા જિલ્લા-તાલુકા નીતિ આયોગના માપદંડો પર ખરા ઉતર્યા છે.

નીતિ આયોગના અધિક સચિવ શ્રી રોહિત કુમારે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશના ૧૧૨ જિલ્લાની “એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ” હેઠળ તેમજ ૫૦૦ તાલુકાની “એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ” હેઠળ પસંદગી કરીને તેને વિકસિત બનાવવાનો નવતર અભિગમ અપનાવવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામ હેઠળ નીતિ આયોગ દ્વારા વિકાસ માટે નિર્ધારિત કરાયેલા ૦૬ ઇન્ડિકેટર્સના આધારે ગુજરાતના પસંદગી પામેલા જિલ્લા અને તાલુકાના વહીવટી તંત્ર દ્વારા મિશન મોડમાં કામ કરવામાં આવ્યું છે.

આયોજન સચિવ શ્રી આદ્રા અગ્રવાલે સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. જ્યારે, GSIDSના નિયામક શ્રી લીના કક્કડે આભારવિધિ કરી હતી.

આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ,  એવોર્ડ્સ મેળવનારા જિલ્લાઓના કલેક્ટરશ્રીઓ અને પદાધિકારીઓ સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ તથા આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.