સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગનો વપરાશ ઘટાડવાના સંકલ્પ સાથે માત્ર ૨૦૦ દિવસમાં બેગ એટીએમ દ્વારા નાગરીકોએ કર્યો એક લાખથી વધુ કાપડની થેલીનો ઉપયોગ
નવા સ્થાપિત બેગ વેન્ડીંગ મશીનો દ્વારા અત્યાર સુધીમાં ૨૦ હજારથી વધુ કાપડની બેગનું વિતરણ
(જી.એન.એસ) તા. 2
આપણા સૌના જીવનમાં પર્યાવરણ કેટલું મહત્વનું છે તે હવે આપણે સૌ સમજી ગયા છે. તેને બચાવવા માટે પણ આપણે સૌ સાથે મળીને પ્રયત્નો કરી રહ્યાં છીએ. પર્યાવરણને બચાવવાના પ્રયાસોમાં એક મહત્વનું પગલું એટલે પ્લાસ્ટીક બેગના વપરાશને ઓછું કરવું. ગત વર્ષે રાજ્યના વિવિધ જાહેર સ્થળો પર પ્લાસ્ટીક બેગનો વપરાશ ઘટાડવા બેગ એટીએમ મુકવાના મહત્વના પર્યાવરણલક્ષી નિર્ણય બાદ માત્ર ૨૦૦ દિવસમાં એક લાખથી વધુ નાગરીકોએ કાપડની થેલીનો ઉપયોગ કરીને પર્યાવરણ બચાવવાના સંકલ્પને ખરા અર્થમાં ચરીતાર્થ કર્યો છે.
ગુજરાતમાં પર્યાવરણ જાગૃતિના નવા યુગની શરૂઆત થઈ છે. આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ ૫ જૂનના રોજ “પ્લાસ્ટિક મુક્ત ભારત” અભિયાનને વધુ વેગ આપવાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં રાજ્ય સરકારે અનેકવિધ નવીન પ્રયાસો શરૂ કર્યા છે. જેના ભાગરૂપે હવે રાજ્યના મંદિરોમાં કાપડની થેલીમાં પ્રસાદની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.
રાજ્યના મહત્વના મંદિરો જેમ કે અંબાજી, સોમનાથ, દ્વારકા, શામળાજી, સાળંગપુર, ઇસ્કોન મંદિર સહિતના કુલ ૧૩ મંદિરો પર 30 મશીન મુકવામાં આવ્યાં છે. આ મશીન મુકવાથી મંદિરની મુલાકાતે આવતા શ્રદ્ધાળુઓને કાપડની થેલીમાં જ પ્રસાદ મળી રહે છે. આ મશીનમાં પાંચ અથવા ૧૦ રૂપિયાનો સિક્કો નાખીને અથવા તો QR કોડ સ્કેન કરીને કાપડની થેલી મેળવી શકાય છે.
વિશ્વ પર્યાવરણ દિવસ, ૫ જૂન ૨૦૨૫ના રોજ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા મહાત્મા મંદિર ખાતેથી વધુ ૨૬૦ કાપડની બેગના વેન્ડીંગ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ નવા સ્થાપિત બેગ વેન્ડીંગ મશીનો દ્વારા અત્યાર સુધીમાં ૨૦ હજારથી વધુ કાપડની બેગનું વિતરણ કરવામા આવ્યુ છે.
ગુજરાતને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની દિશામાં અને નાગરીકોમાં પ્લાસ્ટિકના ઉપયોગ અંગે જાગૃતિ લાવવા માટે વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા તેમજ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના માર્ગદર્શનમાં એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલના ભાગરૂપે, રાજ્યના મહત્વના જાહેર સ્થળોએ વિશેષ એટીએમ મશીન મુકવામાં આવ્યા છે, જેમાંથી કાપડની થેલી મેળવી શકાય છે.
રાજ્યના વિવિધ જાહેર સ્થળોએ શરૂ કરવામાં આવેલા બેગ એટીએમ થકી પર્યાવરણના રક્ષણની સાથે મહિલાઓને વધુ આત્મનિર્ભર બનાવવામાં પણ મદદ મળી રહી છે. એટીએમમાં આપવામાં આવતી બેગ મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતા સ્વ સહાય જૂથ પાસેથી ખરીદવામાં આવે છે જેથી મહિલાઓને પણ રોજગારી મળી રહે છે.
આ ઉપરાંત અમદાવાદ તથા સુરત ખાતે બજારો, યાત્રાધામો, હોસ્પિટલ અને જાહેર બગીચાઓમાં પણ આ મશીનો મુકવામાં આવ્યા છે. અમદાવાદ ખાતે ૨૦ જેટલી હોસ્પિટલોમાં પેપર બેગના વેન્ડિંગ મશીન પણ મૂકવામાં આવ્યા છે જેથી હોસ્પિટલની મેડિકલ શોપ પરથી પેપરની બેગ પણ મળી શકે. આ બાબતે મોનીટરીંગ માટે ‘પ્રતીગ્યા લાઇવ ડેશબોર્ડ’ https://pwm.gpcb.gov.in:8443 પણ વિકસાવવામાં આવ્યું છે જેમાં કાપડના બેગ વિતરણના મશીનોની લાઇવ માહિતી મેળવી શકાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગની નિર્ભરતા ઘટાડવા માટે દર વર્ષે ૩ જુલાઈને વિશ્વ પ્લાસ્ટીક બેગ મુક્તિ દિવસ તરીકે ઉજવાય છે.



























































































































































































































































































































































































































































































































































































































