(જી.એન.એસ) તા. 12

મોરબી,

હાલ રાજ્યમાં સોશિયલ મીડિયામાં મોરબી મુદ્દે રાજીનામા આપવાની અને મોરબીની ચૂંટણી જીતવાને લઇને ચેલેન્જના કારણે રાજકારણ ગરમાયું છે જેમાં હવે વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણી કાંતિ અમૃતિયાના સપોર્ટમાં સૂર પુરવતાં તેમણે પણ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપતાં કહ્યું છે કે ‘ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીતે તો હું રાજીનામું આપી દઇશ.’

ધારાસભ્ય જીતુ સોમાણીએ ગોપાલ ઈટાલિયાને ચૂંટણી લડવા ફેંક્યો ખુલ્લો પડકાર

વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીએ કહ્યું કે ‘ચૂંટણી લડવાની તાકાત હોય તો આવી, ઇટાલીયા સોમવારે અધ્યક્ષ સમક્ષ રાજીનામું આપીને મોરબીથી ચૂંટણી લડી બતાવે. ગોપાલ ઇટાલિયા મોરબીથી ચૂંટણી જીતે તો હું રાજીનામું આપી દઇશ. 

શું હતો સમગ્ર મામલો, કેવી રીતે શરૂ થયું ચેલેન્જ વોર

મોરબી ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ખુલ્લો પડકાર ફેંકતાં કહ્યું હતું કે ‘જો ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો મોરબી આવીને ચૂંટણી લડે! જો હું હારી જઇશ તો 2 કરોડ રૂપિયા આપીશ.’ તો બીજી તરફ ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જનો સ્વીકારતાં કરતાં રાજીનામાની શરત મૂકી હતી. 

ઉલ્લેખનીય છે કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાના પડકારને જવાબ આપતાં કહ્યું હતું કે, ‘આવતા સોમવારે તમે આવો. તમે વિસાવદરથી રાજીનામું અને હું મોરબીથી રાજીનામું આપું. ચૂંટણી આવે એટલે આપણે બંનેએ સામસામે લડવાનું. અને જો હું હારું તો તમને 2 કરોડ આપવાના. આખા ગુજરાતમાં વિસાવદરની એક સીટ આવી એમાં આપના કાર્યકર્તાઓએ મોટો ઉપાડો લઈ લીધો છે. એક સીટમાં જ ઉશ્કેરવાના ધંધા અને જેમ તેમ બોલવાનું શરૂ કર્યું છે.’