જે દેશમાં ત્યાગ, તપસ્યા અને બલિદાનની ભાવના હોય તે દેશનો વિકાસ થયા વિના રહે જ નહી – મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
(જી.એન.એસ) તા. 28
ગાંધીનગર,
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય મજદૂર સંઘના સ્વર્ણિમ 70 વર્ષની ઉજવણીના સમાપન સમારોહ અવસરે જણાવ્યુ હતું કે, જે દેશમાં ત્યાગ, તપસ્યા અને બલિદાનની ભાવના હોય તે દેશનો વિકાસ થયા વિના રહે જ નહી. ભારતીય મજદૂર સંઘ આ મંત્રને લઈને જ અવિરત કાર્ય કરી રહ્યો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ભારતીય મજદૂર સંઘના સ્વર્ણિમ 70 વર્ષની ઉજવણીનો સમાપન સમારોહ શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિ યોજાયો હતો.
મુખ્યમંત્રીશ્રીએ શ્રમનું મહત્વ સમજાવતા જણાવ્યુ હતુ કે, “હર હાથ કો કામ ઓર હર કામ કા સન્માન” એટલે દરેક કામને સન્માન મળવું જોઈએ. પોતાની ફરજમાં આવતા કાર્યને નિષ્ઠાપૂર્વકથી કરવું જોઈએ.
રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોના કલ્યાણ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શ્રમિકોને માત્ર પાંચ રૂપિયામાં પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે. રાજ્યના તમામ અન્નપૂર્ણા કેન્દ્રોમાં ગુણવત્તાયુક્ત ભાજનનો વધુમા વધુ શ્રમિકોને લાભ મળે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં દેશના નાગરિકોને ઘર-આંગણે વિવિધ સેવાઓના લાભ મળતા થયા છે. સામાન્ય – નાના-ગરીબ લોકોને પારદર્શી રીતે સરકારી સેવાઓ સો ટકા પહોચાડવામાં આવી રહી છે જેના પરિણામે સરકાર પર નાગરિકોનો વિશ્વાસ રોજબરોજ વધતો જાય છે.
જનતાના વિશ્વાસ અને સપોર્ટથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત @2047નો સંકલ્પ કર્યો છે. વડાપ્રધાનશ્રીના આ સંકલ્પને સાકાર કરવા આપણે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે. સૌનો સાથ- સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ”થી જો સૌ સાથે મળી આગળ વધીશું તો જ વિકસિત ભારત, વિકસિત ગુજરાત તરફ આગળ વધી શકાશે.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવેલા ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં સૌને જોડાવા આહવાહ્ન કરતાં જણાવ્યું હતું કે, દરેક નાગરિક એક-એક વૃક્ષ રોપે તો મોટી સંખ્યામાં ગ્રીન કવર ઊભું કરી શકાશે જેનાથી ગ્લોબલ વોર્મિંગ સામે રક્ષણ મળશે.
આ અવસરે અખિલ ભારતીય મજદૂર સંઘના અધ્યક્ષ શ્રી જે.એસ.પંડ્યા, ગુજરાત પ્રદેશના પ્રાંત કાર્યવાહ શ્રી શૈલેષભાઈ પટેલ, બી.એમ.એસ ક્ષેત્રીય સંગઠન મંત્રી શ્રી સી.વી. રાજેશ, પ્રદેશ અધ્યક્ષ શ્રી જીગ્નેશ મજમુદાર, પ્રદેશ મહામંત્રી શ્રી ગિરીશભાઈ પટેલ તથા ભારતીય મજદૂર સંઘના સદસ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




























































































































































































































































































































































































































































































































































































































