(જી.એન.એસ) તા. 14
સુરત,
ચોમાસાની ઋતુમાં અવિરત વરસાદ બાદ પાણી બહાર જવા કિસ્સાઓમાં લોકોને પડતી હાલાકી દૂર કરવા હવે તંત્ર કામે લાગી ગયું છે. સુરતમાં ખાડી પૂર અટકાવવા માટે હાઈલેવલ કમિટી બનાવ્યા બાદ કમિટિ અને પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. ખાડીના પાણીને અવરોધતા સ્ટ્રકચર અને દબાણ માટેનો સર્વે કર્યા બાદ ગઈ કાલથી કલવર્ટ અને ખાડી કિનારે થયેલા શિલ્ટીંગ દુર કરવાની કામગીરી સતત બીજા દિવસે પણ હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધી પાલિકા અને સરકારના વિવિધ તંત્ર સાથે સંકલનનો અભાવ હોવાથી આ કામગીરી થતી ન હતી હવે કમિટી બનાવ્યા બાદ કામગીરી ઝડપથી થઈ રહી છે.
સુરત જિલ્લામાંથી આવતી અને શહેરમાંથી પસાર થતી ખાડીના કારણે સુરતમાં સતત ખાડી પુરની ભીતિ રહે છે. તેમાં પણ જિલ્લામાં વરસાદનું જોર વધુ હોય ત્યારે ખાડી પૂર આવે છે. જોકે, ખાડીની માલિકી સરકારની હોય ખાડી પરના દબાણ હટાવવાની જવાબદારી સરકારની રહે છે. આ ઉપરાંત પાલિકા વિસ્તારમાં જે દબાણ હોય તે દબાણ દુર કરવાની જવાબદારી પાલિકાની છે. પરંતુ વર્ષોથી સંકલનના અભાવે સપૂણ કામગીરી થતી ન હોય ખાડી પૂરનો ભોગ સુરતે બનવું પડે છે.
હમણાં 10 દિવસ પહેલા સુરતમાં અવિરત વરસાદ બાદ ખાડી પૂર આવ્યા હતા જેના કારણે લોકોમાં ભારે આક્રોશ હતો અને આગામી પાલિકાની ચૂંટણીમાં આ મુદ્દો હોટ બને તેવી શક્યતા હતી. જેના કારણે એક બેઠક મળી હતી અને તેમાં ખાડી પુર અટકાવવા માટે હાઈ પાવર કમિટી બનાવવામા આવી છે. આ કમિટીના અધ્યક્ષ તરીકે પહેલા જિલ્લા કલેકટર હતા પરંતુ એક જ દિવસમાં પાલિકા કમિશ્નરને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ હાઈપાવર કમીટીના અધ્યક્ષ બન્યા બાદ પાલિકા તંત્ર એક્શનમા આવ્યું છે અને સર્વે કર્યા બાદ કામગીરી પણ શરૂ કરી દીધી છે.
રવિવારે કામગીરી બાદ આજે સોમવારે પણ પાલિકાએ કામગીરી ચાલુ રાખી છે. આજે સવારે નવો પૂર્વ(સરથાણા) ઝોનમાં આવેલ ટી.પી. સ્કીમ નં. 21 (સરથાણા-સીમાડા) માં 60.00 મીટરનો આઇકોનિક રસ્તા ઉપર શિવ પ્લાઝા રેસીડેન્સી પાસે પાસોદરા-કઠોદરા તરફથી આવતી ખાડી પર વર્ષો જુનો પાઇપ કલવર્ટ બનાવવામાં આવ્યો છે. આ કલવર્ટ જર્જરીત હાલતમાં હોય તેને સુરક્ષા કારણોસર વાહન વ્યવહાર માટે સુરત મહાનગરપાલિકા દ્વારા બંધ કરવામાં આવેલ. આજરોજ સદરહુ કલવર્ટને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
સાથેજ બમરોલી ખાતે ખાડીના વહેણમાં અવરોધ રૂપ પાઇપ કન્વર્ટ તોડવાની કામગીરી ચાલી રહી છે. આ સાથે ટીપી સ્કીમ નંબર 43 ભીમરાડના ફાઇનલ પ્લોટ નંબર 81 સુરત મહાનગરપાલિકાના નવનિર્મિત આવાસની બાજુમાં ખાડીની એલાઇનમેન્ટમાં દબાણ થયા હતા. તે પુરાણને દૂર કરી ખાડી વાઈડનીંગ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.


























































































































































































































































































































































































































































































































































































































