(જી.એન.એસ) તા. 13
જામનગર,
વિશ્વને યોગ, આયુર્વેદ અને પ્રાચીન ઉપચાર પધ્ધતિઓના નિષ્ણાતો આપવામાં આગલી હરોળની સંસ્થા ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી જે 2020 પછી અહીં ચાલતી સંસ્થોને એકત્રિત કરી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્થાપિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ (આઈ.ટી.આર.એ) તરીકે ખ્યાતિ પામી છે તેનો પ્રથમ દીક્ષાંત સમારોહ 12 જુલાઈના રોજ યોજાયો હતો. જેમાં ભારત સરકારના આયુષ વિભાગના કેન્દ્રીય રાજ્ય મંત્રી પ્રતાપરાવ જાધવ અને સાંસદ પૂનમબેન માડમના હસ્તે તાલિમ બાદ ઉતીર્ણ થનાર વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે ડીડીજી દિલ્હીથી સત્યજિત પોલ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, આઈ.ટી.આર.એના નિયામક તનુજા મેસરી, વિજ્ઞાન ભરતી નવી દિલ્હીથી શેખર માંડે અને એકેડમિક ડીન પ્રો. હિતેશ વ્યાસ ઉપસ્થિત રહ્યાં હતા.
આ પ્રસંગે બોલતા કેન્દ્રીય રાજ્ય મંત્રી પ્રતાપરાવ જાધવે જણાવ્યું હતું કે જામનગર માત્ર સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને વ્યાપારી રીતે સમૃદ્ધ નથી પરંતુ આયુર્વેદ અને વિજ્ઞાનમાં શિક્ષણ, સંશોધન અને નવીનતાનું હૃદય પણ છે. અહીં આયુર્વેદનું પ્રથમ સંશોધન કેન્દ્ર, પ્રથમ યુનિવર્સિટી, યોગ, નિસર્ગોપચાર અને ફાર્મસી સંસ્થાઓ અને હવે આયુર્વેદ સહિત પરંપરાગત દવાઓ માટે વિશ્વનું પ્રથમ WHO સહયોગ કેન્દ્ર પણ અસ્તિત્વમાં આવી રહ્યું છે. તેથી, ભારતમાં આયુર્વેદ અભ્યાસ, શિક્ષણ, સંશોધન અને દવાના ક્ષેત્રમાં આ ભૂમિનું એક અનોખું સ્થાન છે.
વધુમાં તેમણે જણાવ્યું કે ભારત સરકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, આ કેમ્પસની તમામ શૈક્ષણિક સંસ્થાઓને એકત્ર કરી અને ITRA ની સ્થાપના કરી. અમારા માટે ખૂબ ગર્વની વાત છે કે સંસ્થાના ઉદ્ઘાટન સમયે, વિશ્વ આરોગ્ય સંગઠનના મહાનિર્દેશક, ડૉ. ટેડ્રોસ અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે WHO હેઠળ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન પણ અહીં સ્થાપિત કરવામાં આવશે. આ WHOનું પ્રથમ અને એકમાત્ર આઉટપોસ્ટેડ સેન્ટર છે જે પરંપરાગત દવાને સમર્પિત છે. આ કેન્દ્ર ભારતના ‘વસુધૈવ કુટુમ્બકમ’ ની ભાવનાને મૂર્તિમંત કરે છે.
તેમણે ઉમેર્યું કે આયુષ મંત્રાલયે અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય સહયોગની દિશામાં સરકારી સ્તરે 24 થી વધુ દેશો અને સંસ્થાકીય સ્તરે 50થી વધુ દેશો સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. ઉપરાંત, આ સહયોગ દ્વારા, સરકારે ભારતીય દૂતાવાસોમાં હાલમાં 38 દેશોમાં આયુષ ચેરની સ્થાપના, સંયુક્ત સંશોધન પ્રોજેક્ટ્સ, વિદ્યાર્થી અને ફેકલ્ટી વિનિમય કાર્યક્રમો તેમજ 42 આયુષ માહિતી કેન્દ્રોની સ્થાપના વિશે માહિતી આપી હતી. અંતે તેમણે આ સમારોહમાં ડિગ્રી મેળવનારા તમામ વિદ્યાર્થીઓ, ફેલો અને તમામ ફેકલ્ટીઓને અભિનંદન આપ્યા અને ભગવાન ધન્વંતરીને તેમના સફળ ભવિષ્ય માટે પ્રાર્થના કરી હતી.
પોતાની સંસ્થા મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રીએ આયુષ મંત્રી શ્રી પ્રતાપરાવ જાધવે સંસ્થાના વિવિધ એકમો અને હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું. તેમણે ધનવંતરી મંદિરમાં ભગવાન ધનવંતરીની પ્રતિમાનું પૂજન કર્યું, WHO ના GTMC ભવન અને સંસ્થાના મુખ્ય મકાનની મુલાકાત લીધી અને ધન્વંતરી ગ્રાઉન્ડમાં યોગ પાર્કનો શિલાન્યાસ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આ દીક્ષાંત સમારોહમાં કુલ 234 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી, જેમાં 143 MD/MS ડોક્ટર, 35 એમ.ફાર્મ (આયુર્વેદ), 2 M.Sc. (ઔષધીય વનસ્પતિ), 33 ડિપ્લોમા (આયુર્વેદ ફાર્મસી), 18 ડિપ્લોમા (નેચરોપથી), અને 3 PG ડિપ્લોમા (Y.N.) વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. વિદેશથી આયુર્વેદનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ ડિગ્રી એનાયત કરવામાં આવી હતી સાથે પાંચ શ્રેણીઓના ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા અને તે સિવાય શ્રેષ્ઠ સંશોધન અને શ્રેષ્ઠ સંશોધન પ્રકાશન માટે બે વિશેષ મેડલ પણ એનાયત કરવામાં આવ્યા હતા.
દીક્ષાંત સમારોહના અંતે કુલ બે રાષ્ટ્રીય સંસ્થાઓ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આમાં CSIR-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ટરડિસિપ્લિનરી સાયન્સ એન્ડ ટેકનોલોજી (ત્રિવેન્દ્રમ) અને ફાર્માકોપીયા કમિશન ફોર ઇન્ડિયન મેડિસિન એન્ડ હોમિયોપેથી (ગાઝિયાબાદ) સાથે સહયોગનો સમાવેશ થાય છે. આ ભાગીદારી દ્વારા, વિજ્ઞાન, ટેકનોલોજી અને તબીબી પ્રથાઓને જોડીને નવા સંશોધન અને જાહેર આરોગ્ય સંબંધિત કાર્ય કરવામાં આવશે.
સંસ્થા પરિચય :-
આઈ.ટી.આર.એના ભવ્ય ઇતિહાસમાં નજર નાખીયે તો ભારતની આઝાદી પહેલા જામનગરના તત્કાલીન જામસાહેબ દિગ્વિજયસિંહ અને રાજમાતા ગુલાબકુંવરબાની આયુર્વેદ પ્રત્યેની નિષ્ઠા અને આસ્થાને કારણે વર્ષ 1940માં આયુર્વેદના વિકાસ, પ્રચાર પ્રસાર અને શિક્ષણ સંશોધનના હેતુથી ગુલાબકુંવરબા આયુર્વેદ સોસાયટીની સ્થાપના થઇ હતી. જે સંસ્થાએ વર્ષો જુના ગ્રંથ ચરક સંહિતાનો અંગ્રેજી અનુવાદ કરી વિશ્વ સમક્ષ આયુર્વેદને ઓળખ આપવાનું કામ કર્યું હતું. વર્ષ 1944માં આ પ્રવૃત્તિને વેગ આપવા રાજપરિવારે દાન આપેલી 30 એકર જગ્યામાં આયુર્વેદ સંશોધન અને ચિકિત્સા કેન્દ્રનું કામ શરુ થયું અને 1 જુલાઈ 1946માં તેમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ થયો. તે સમયના ધનિક વેપારી શેઠ ચત્રભુજ જેવા મહાનુભાવોએ પણ આ ભગીરથ કાર્યમાં પોતાનો સહયોગ આપ્યો હતો.
વર્ષ 1951માં આયુર્વેદ અંગે સંશોધનનું કામ જોઈને આઝાદ ભારતને સરકારે પણ આ સંસ્થાને આર્થિક મદદ શરુ કરી જેના કારણે વર્ષ ૧૯૫૪માં સૌપ્રથમ કેન્દ્રિય સંશોધન કેન્દ્ર સી.આઇ.આર.આઇ.એસ.એમ. પણ અહીં સ્થપાયું, વર્ષ ૧૯૫૬માં ભારતવર્ષનો સૌપ્રથમ પોસ્ટ ગ્રેજ્યુએટ(અનુસ્નાતક) શિક્ષણ સંસ્થાન પણ અહીં જ સ્થપાયું, વર્ષ ૧૯૬૭માં અહીં વિશ્વની સૌપ્રથમ આયુર્વેદ વિશ્વવિદ્યાલય શરૂ કરવામાં આવ્યું જેના પ્રથમ કુલપતિ વિજય ઠાકરે આ સંસ્થાને એક નવી ઉંચાઈ પ્રદાન કરી અને વર્ષ 2004 સુધી વિશ્વમાં એક માત્ર આયુર્વેદિક યુનિવર્સીટી હોવાનું ગૌરવ ગુજરાતને ફાળે આવ્યુ અને એઇમ્સ જેટલી જ પ્રતિષ્ઠિત ભારતની પ્રથમ આયુર્વેદ સંસ્થા દેશને મળી. દેશને 4 પદ્મશ્રી પુરસ્કાર ધરાવતા નિષ્ણાતો આપનારી આ સંસ્થા હજુ સમય સાથે કદમતાલ મિલાવતા આયુર્વેદને આધુનિક તકનીકની મદદથી વિશ્વને પોતાના જ્ઞાનનો લાભ આપી રહી છે.
વર્ષ 2020માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટીના કામને વિવધતા અને સુલભતા આપવા માટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ (આઈ.ટી.આર.એ)ની સ્થાપના કરી. અહીં આજે ચાલી રહેલા યોગ, આયુર્વેદ, નિસર્ગોપચાર અને ફાર્મસી જેવા પ્રકલ્પોમાં વિશ્વને વિવિધ ઉપચાર પધ્ધતિઓના નિષ્ણાત બનાવવા માટે ડિપ્લોમા, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન અને પીએચડી જેવી ડિગ્રીઓ આપવાનું કામ ભારત સરકારના આયુષ મંત્રાલય હેઠળ કરી રહ્યા છે. તેમાં પણ યોગ અને નેચરોપેથી માટે પણ કુલ ૧૮ પ્રકારના અભ્યાસો અહીં ચાલે છે જેમાં ડોક્ટરો માટે પણ ખાસ યોગ અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ (આઇ.ટી.આર.એ.) દ્વારા ૧૫ રાષ્ટ્રીય અને ઓસ્ટ્રેલિયા, જાપાન, ફ્રાન્સ, અર્જેન્ટિના, બ્રાઝિલ, વગેરે આઠ દેશોની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ. કરી વિશેષ શૈક્ષણિક અને બીન શૈક્ષણિક કાર્યો હાથ ધર્યા છે.
અહીંથી સાડા પાંચ વર્ષના અભ્યસક્રમને પૂર્ણ કર્યા બાદ વિશ્વના દરેક ખૂણામાં યોગ અને આયુર્વેદના આશીર્વાદ આપવા માટે નિષ્ણાતો તૈયાર થતા હોય છે જેમાં વિદેશથી આવેલા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.
સમગ્ર વિશ્વને આઈટીઆરએ દ્વારા કરવામાં આવતા સંશોધનો અંગે માહિતગાર કરવા માટે https://ayurvedlibrary.com ઓનલાઇન લાઈબ્રેરીનું ઉદ્ઘાટન કરતા કેન્દ્રીય રાજ્ય મંત્રી પ્રતાપરાવ જાદવે કર્યું હતું. ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટીમાંથી 2020માં આઈ.ટી.આર.એ. બનેલી સંસ્થાની એક મુખ્ય વિશેષતા છે અહીંના સર જુવાનસિંહજી સંગ્રહાલય અને પુસ્તકાલયનો પુસ્તક સંગ્રહ. આ પુસ્તકાલયમાં યોગ આયુર્વેદ અને પ્રાચીન ઉપચાર પદ્ધતિના સંશોધન અંગેના 35 હજારથી વધુ પુસ્તકો ઉપલબ્ધ છે જેમાં પાંડુ અને શારદા લિપિમાં લખાયેલા સદીઓ જુના 7 હજારથી વધુ ભોજપત્રો અને પીએચડી થયેલા વિદ્યાર્થીઓના નિબંધગ્રંથોનો સમાવેશ થાય છે. જેને સાચવવા માટે યોગ્ય તાપમાનમાં રાખવામાં આવે છે અને પ્રાચીન પધ્ધતી મુજબ શુક્ષ્મ જીવોથી બચાવવા લાલ કપડામાં લપેટવામાં આવે છે. ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી દ્વારા પ્રકાશિત થતા આયુના પણ બધા સંસ્કરણો અહીં ઉપલબ્ધ છે.
સૌથી અગત્યની બાબત છે ભારતની વિશ્વ એક કુટુંબની ભાવનાને આગળ ધપાવતા પુસ્તકાલયના તમામ પુસ્તકો અને ભોજપત્રોનું ડિજિટલાઇઝેશન વિશ્વના સર્વશ્રેષ્ઠ સ્કેનરની મદદથી થઇ રહ્યું છે જેના કારણે નજીકના ભવિષ્યમાં જ આ તમામ ગ્રન્થોના જ્ઞાનનો લાભ વિશ્વમાં ગમે તે સ્થળેથી કોઈ પણ વ્યક્તિ વિના મુલ્યે લઇ શકે છે.
WHO-GTMC (ગ્લોબલ ટ્રેડિશનલ મેડિકલ સેન્ટર)
વિશ્વની 360થી વધુ પરંપરાગત ચિકિત્સા પદ્ધતિમાં સંશોધનને અવકાશ મળે તે હેતુથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન અનુસાર ભારત સરકારના આર્થિક સહયોગથી WHO-GTMC (ગ્લોબલ ટ્રેડિશનલ મેડિકલ સેન્ટર) ગુજરાતમાં જામનગરને મળ્યું છે જેના કારણે વિશ્વની તમામ પરાંપરાગત ઉપચાર પદ્ધતિઓ માટેના નિષ્ણાતો તૈયાર થશે અને સામાન્ય લોકો સુધી પહોંચશે. દવા ઉત્પાદકોના આર્થિક લાભ માટે ડોક્ટર કામ કરે તેવી ખરાબ પદ્ધતિઓ વિશ્વમાંથી દૂર થાય અને નાનપણથી ગ્રેપ વોટરથી શરુ થયેલી માન્યતાઓ ઉમર જતા મોંઘી દવાઓ સુધી પહોંચે તે પ્રક્રિયાને નાબૂદ કરવા માટે આ સેન્ટરનું મહત્વ ખુબ જ વધી જાય છે. WHO દ્વારા વિશ્વની પ્રાચીન ઉપચાર પદ્ધતિઓ અંગેના દસ્તાવેજો અને તેના દર્દીઓ ઉપરના તેમના સંશોધનોનો લાભ દરેક મનુષ્યને મળે તે માટે WHOની વેબસાઈટ પાર તમામ ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવશે જેને વર્લ્ડ ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ લાઈબ્રેરી કહેવામાં આવશે. આ સિવાય આ પ્રાચીન ઉપચાર પદ્ધતિઓને વૈશ્વિક માન્યતા મળે તે માટે પણ WHO કાર્યરત છે.
આધુનિક ઢબે કામ કરતી સંસ્થા WHOએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સની મદદથી તમામ ડેટાનો ઉપયોગ કરી આ વર્ષે પ્રથમ વખત પોતાના જર્નલને ફક્ત પ્રાચીન ઉપચાર પદ્ધતિને સમર્પિત કર્યું છે.




























































































































































































































































































































































































































































































































































































































