(જી.એન.એસ) તા. 11

નવી દિલ્હી,

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 જુલાઈના રોજ સવારે 11:૦૦ કલાકે વીડિયો કોન્ફરન્સ દ્વારા વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં 51,000 થી વધુ નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે. તેઓ આ પ્રસંગે નિયુક્ત લોકોને સંબોધન પણ કરશે.

રોજગાર મેળો રોજગાર સર્જનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવા તરફ એક પગલું છે. રોજગાર મેળો યુવાનોને તેમના સશક્તિકરણ અને રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. દેશભરમાં રોજગાર મેળાઓ દ્વારા અત્યાર સુધીમાં 10 લાખથી વધુ ભરતી પત્રો જારી કરવામાં આવ્યા છે.

16મો રોજગાર મેળો દેશભરમાં 47 સ્થળોએ યોજાશે. કેન્દ્ર સરકારના મંત્રાલયો અને વિભાગોમાં ભરતીઓ થઈ રહી છે. દેશભરમાંથી પસંદ કરાયેલા નવનિયુક્તો રેલવે મંત્રાલય, ગૃહ મંત્રાલય, પોસ્ટ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નાણાકીય સેવાઓ વિભાગ, શ્રમ અને રોજગાર મંત્રાલય સહિત અન્ય વિભાગો અને મંત્રાલયોમાં જોડાશે.