ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટિવની ગણતરી પ્રમાણે, કરારના પ્રથમ વર્ષમાં ભારતને કસ્ટમ્સ ડયૂટી મારફતની આવકમાં રૂ.૪૦૫૦ કરોડનો ફટકો પડી શકે છે. દસમાં વર્ષ સુધીમાં વાર્ષિક નુકસાન વધી રૂ.૬૩૫૦ કરોડ રહેવા ધારણાં છે. ભારત તથા યુનાઈટેડ કિંગ્ડમ (યુકે) વચ્ચે થયેલા મુકત વેપાર કરારમાં વેઈટેડ એવરેજ ટેરિફ જે દસ વર્ષમાં ૧૫% પરથી ઘટાડી ૩% પર લાવવા ભારત સહમત થયું છે તેને કારણે દેશની કસ્ટમ ડયૂટી મારફતની આવક પર અસર પડશે. જો કે કરારને કારણે નિકાસમાં તથા આર્થિક પ્રવૃત્તિમાં થનારા વધારાથી ભારતની એકંદર આવકમાં વધારો જોવા મળશે એમ સરકારી સુત્રો માની રહ્યા છે.
નાણાં વર્ષ ૨૦૨૫ના વેપાર વોલ્યુમને આધારે આ ગણતરી આવી પડી છે. દ્વીપક્ષી વેપાર વધવા સાથે વોલ્યુમમાં વધારો થવાની અપેક્ષા છે. એસોસિએશન ઓફ સાઉથઈસ્ટ એશિયન નેશન્સ (એસિયન), જાપાન તથા દક્ષિણ કોરિઆ સાથે થયેલા મુકત વેપાર કરાર હેઠળ પ્રેફરન્સિઅલ ટેરિફમાં ઘટાડાને કારણે નાણાં વર્ષ ૨૦૨૫માં ભારતે અંદાજે રૂ.૯૪૧૭૦ કરોડ જેટલી કસ્ટમ્સ ડયૂટી ભૂલી જવી પડી છે. વર્તમાન નાણાં વર્ષમાં દેશની કસ્ટમ્સ ડયૂટી મારફતની આવક ૨% જેટલી વધી રૂ.૨.૪૦ ટ્રિલિયન રહેવા બજેટમાં અંદાજ મૂકવામાં આવ્યો છે.
યુકે સાથેના કરાર અનવયે ૯૦% માલસામાન ઉપર ટેરિફ દૂર કરાશે અથવા તો ઘટાડાશે. વર્તમાન વર્ષમાં અમેરિકા તથા યુરોપિયન યુનિયન સાથે પણ ભારત મુકત વેપાર કરાર કરવા યોજના ધરાવે છે. નાણાં વર્ષ ૨૦૨૫માં કસ્ટમ્સ ડયૂટી મારફતની જે આવક ભૂલી જવામાં આવી છે, તેમાંથી રૂ.૩૭૮૭૫ કરોડની આવક એશિયનના માલસામાન પર, રૂ.૧૨૦૩૫ કરોડ જાપાનના માલ પર તથા રૂ.૧૦૩૩૫ કરોડ દક્ષિણ કોરિઆ ખાતેથી આવેલા માલસામાન પર હતી, એમ સરકારી ડેટા જણાવે છે.























































































































































































































































































































































































































































































































































































































































































