વૈશ્વિક વીસી રોકાણ પ્રવૃત્તિમાં ધીમી ગતિ વચ્ચે ભારતમાં આ વધારો જોવા મળ્યો છે. વૈશ્વિક અનિશ્ચિતતા હોવા છતાં ઘરઆંગણે વેન્ચર કેપિટલ ઈન્વેસ્ટમેન્ટની સારી કામગીરી જોવા મળી છે. વર્ષ ૨૦૨૫ના માર્ચ ત્રિમાસિકની સરખામણીએ જૂન ત્રિમાસિકમાં ૩૫૫ કરાર મારફત દેશમાં વેન્ચર કેપિટલ (વીસી) ઈન્વેસ્ટમેન્ટ વધી ૩.૫૦ અબજ ડોલર રહ્યું છે. માર્ચ ત્રિમાસિકમાં ૪૫૬ સોદામાં કુલ ૨.૮૦ અબજ ડોલરનું વીસી રોકાણ આવ્યું હતું. એકંદર એશિયા વીસી ક્ષેત્રની વાત કરીએ તો, ભારતની કામગીરી તેના કરતા શ્રેષ્ઠ રહી છે. વિશ્વ સ્તરે વીસી ઈન્વેસ્ટમેન્ટના સૌથી વધુ સોદા અમેરિકામાં જોવા મળ્યા છે. દેશના મહત્વના ક્ષેત્રો જેમ કે ફિનટેક, હેલ્થટેક તથા લોજિસ્ટિકસમાં રોકાણકારોનો મજબૂત રસ રહ્યો છે, જે ભારતની નવીનતાની ક્ષમતાનું પ્રતિબિંબ પૂરુ પાડે છે.
જૂન ત્રિમાસિકમાં આવેલા વીસી ફન્ડિંગમાં સૌથી વધુ ફન્ડિંગ ફિનટેક ક્ષેત્રમાં જોવા મળ્યું છે. અમેરિકામાં ફિનટેકના જાહેર ભરણાંને મળેલી સફળતાથી આ ક્ષેત્ર માટે રોકાણકારોના વિશ્વાસમાં વધારો થયો છે. ભારતની મજબૂત ફિનટેક સ્ટાર્ટઅપ્સને પણ ટૂંક સમયમાં બજારમાંથી ભંડોળ ઊભા કરવામાં સફળતા મળી રહેશે એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચેો આ ક્ષેત્ર માટે સ્થિતિ આશાસ્પદ જણાય છે. ફિનટેક ઉપરાંત, હેલ્થકેર અને લોજિસ્ટિક સ્ટાર્ટઅપ્સમાં પણ આકર્ષણમાં વધારો જોવા મળી રહ્યો છે. એઆઈ સંચાલિત ઉકેલોએ આ ક્ષેત્ર માટે રસ જગાડયો છે.
એશિયા વિસ્તારની વાત કરીએ તો જૂન ત્રિમાસિકમાં આ ક્ષેત્રમાં ૧૨.૮૦ અબજ ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ આવ્યું છે, જે માર્ચ ત્રિમાસિકમાં રહેલા ૧૨.૬૦ અબજ ડોલરની સરખામણીએ સહેજ વધુ છે. આ વિસ્તારમાં વીસી સોદાની સંખ્યા ૨૬૬૩ પરથી જોરદાર ઘટી ૨૦૨૨ પર આવી ગઈ હતી. વૈશ્વિક સ્તરે વીસી ફન્ડિગ ૧૨૮.૪૦ અબજ ડોલરથી ઘટી ૧૦૧.૦૫ અબજ ડોલર રહ્યું છે. ભૌગોલિકરાજકીય તથા આર્થિક પડકારો વચ્ચે પણ એઆઈ તથા ડિફેન્સટેકમાં આકર્ષણ જોવા મળ્યું હોવાનું પણ રિપોર્ટમાં જણાવાયું હતું. એઆઈમાં મોટા કરારને કારણે અમેરિકામાં ૩૪૨૫ સોદામાં ૭૨.૭૦ અબજ ડોલરનું સૌથી વધુ ઈન્વેસ્ટમેન્ટ શકય બન્યું છે.























































































































































































































































































































































































































































































































































































































































































